જામનગર શહેરમાંથી ગુમ થયેલી એક સગીરાને ગણતરીના ૧૮ કલાકમાંજ શોધી કાઢતી જામનગર સીટી ‘બી’ ડીવીઝન પોલીસ
-
જામનગર રાજકોટ અને છેક અમદાવાદ સુધી અલગ અલગ ત્રણ ટીમની જીણવટ ભરી તપાસમાં સગીરા અમદાવાદમાંથી મળી આવી
દેશ દેવી ન્યૂઝ તા. ૦૩ સપ્ટેમ્બર ૨૫ જામનગર જીલ્લામાં ગુમ, અપહરણ થયેલા બાળકો, સગીરોને શોધવા માટે રાજકોટ વિભાગના પોલીસ મહાનીરીક્ષક અશોક કુમાર યાદવ તથા જામનગરના જિલ્લા પોલીસ વડા ડો. રવી મોહન સૈની તથા નાયબ પોલીસ અધીક્ષક જયવીરસિંહ ઝાલા ની સુચના અને ઇન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર એન.એ.ચાવડા તથા સર્વેલન્સ પો.સબ.ઈન્સ એમ.વી.મોઢવાડીયા ના માર્ગદશન મુજબ સર્વેલન્સ સ્ટાફ ગુમ થનાર ને શોધવામાં પ્રયત્નશીલ હતા,દરમિયાન ગઈકાલે તા.૦૨/૦૯/૨૦૨૫ ના રાત્રીના એક ફરીયાદી પોલીસ સ્ટેશન આવેલા અને પોતાની સગીર વયની પુત્રી સાંજના ટયુશન કલાસીસમાં ગયેલ, તે પરત ઘરે આવેલ ન હોવાનુ અને ગુમ થઈ ગયેલ હોવાની જાહેર કરતાં ગુમ થનાર સગીર વયની દીકરી હોય ગુનાની ગંભીરતા ધ્યાને લઈ તુરતજ સર્વેલન્સ સ્ટાફના માણસોની અલગ અલગ ત્રણ ટીમો બનાવવામાં આવી હતી.જેમાં એક ટીમને સગીરા ગુમ થયેલ તે ટયુશન કલાસીસ થી શરુ કરીને જયા જયા જરૂર જણાય ત્યાના સીસીટીવી કેમેરા તપાસવા સુચના અપાઈ હતી. જે સીસીટીવી કેમેરા ચેક કરતાં ગુમ થનાર સગીરા ટયુશન કલાસીસ થી એક રીક્ષામાં બેસી સાત રસ્તા બસ સ્ટેન્ડ ગયેલ હોવાનું જણાતાં બસ સ્ટેન્ડના કેમેરા ચેક કરતાં સગીરા રાજકોટ તરફ ગયેલ હોવાનું જાણવા મળ્યું હતું.
તુરતજ એક ટીમને રાજકોટ અને બીજી ટીમને અમદાવાદ ખાતે સગીરાની શોધમાં રવાના કરાઈ હતી. જે બન્ને ટીમોએ સીસીટીવી કેમેરા ચેક કરતા અને ત્રીજી ટીમે ટેકનીકલ સોર્સ થી સગીરાનુ પગેરુ મેળવવા પ્રયત્ન કરેલો, જેમાં સગીરા અમદાવાદ હોવાનું જણાતા અમદાવાદ ખાતે રહેલ ટીમને તપાસમાં મળેલ લીડ થી વાકેફ કરતાં અમદાવાદ રહેલ ટીમના સભ્યોએ સીસીટીવી કેમેરા તથા હ્યુમન સોર્સથી હકીકત મેળવતાં સગીરા ખાનગી બસમાં બેસી દીલ્હી જવાની હોવાની હકીકત મળી હતી.
જે ટીમના સભ્યોએ ખાનગી બસોના પીકપ પોઈટ પર વોચ ગોઠવી સગીરાને શોધતા ગુમ થયેલ સગીરા હેમખેમ મળી આવી હતી. જેથી તેણીને જામનગર લઈ આવેલ હતા. આમ સગીરા ગુમ થયાના ફકત ગણતરીના અઢાર કલાકમાં સગીરાને શોધી તેના પરીવારને પરત સોપી આપેલ છે.આ કામગીરી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એન.એ.ચાવડા તથા પો.સબ.ઈન્સ એમ.વી.મોઢવાડીયા તથા એ.એસ.આઈ રાજેશભાઈ વેગડ તથા પો.હેડ.કોન્સ દશરથસિંહ પરમાર , ક્રીપાલસિંહ સોઢા તથા સંજયભાઈ પરમાર, પો.કોન્સ કલ્પેશભાઈ અઘારા, જયદીપસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ વાઢેર, સાજીદભાઈ બેલીમ, પ્રહલાદસિંહ જાડેજા તથા વિપુલભાઈ ગઢવી દ્વારા કરવામાં આવી છે.