જામનગર નજીક નેવી મોડા ગામમાં થી નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાની મીની ફેક્ટરી એલસીબી ની ટુકડીએ પકડી પાડી
-
નકલી ઇંગ્લિશ દારૂ બનાવી રહેલા જામનગર અને રાજસ્થાન સહિતના ૬ શખ્સો નીઅટકાયત : ૭.૨૮ લાખ નું નકલી દારૂ બનાવવાનું સાહિત્ય કબજે
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૯ જૂન ૨૫, જામનગર નજીક નેવી મોડા ગામમાં નકલી ઇંગલિશ દારૂ બનાવવાની મીની ફેક્ટરી એલસીબી ની ટુકડીએ પકડી પાડી છે, અને જામનગર તેમજ રાજસ્થાન સહિતના છ શખ્સોની અટકાયત કરી લઈ બનાવટી વિદેશી દારૂ બનાવવા માટેની સાધન સામગ્રી, દારૂ ના પાઉચ, કાચની બોટલ, તથા સ્ટીકર, મિશ્રણયુક્ત પ્રવાહી સહિત રૂપિયા ૭.૨૮ લાખ ની માલમતા કબજે કરી છે, અને તમામ છ શખ્સોની જીણવટ ભરી પૂછપરછ હાથ ધરી છે.
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે જામનગર નજીક નેવી મોડા ગામમાં રહેતા હાર્દિકસિંહ જાડેજા નામના શખ્સ ની વાડીમાં મકાનની અંદર નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ચલાવવામાં આવી રહી છે, અને જામનગર તથા રાજસ્થાનના કેટલાક શખ્સો એકત્ર થઈને ગેરકાયદેસર રીતે નકલી દારૂ બનાવી તેનું જામનગર અને આસપાસના વિસ્તારમાં વેચાણ કરે છે. તેવી બાતમીને આધારે એલસીબીના પી.આઈ. વી.એમ. લગારિયા અને તેઓની ટીમે દરોડો પાડયો હતો.
જે દરોડા દરમિયાન છ શખ્સો નકલી દારૂ બનાવવાનું કારસ્તાન ચલાવી રહેલા નજરે પડ્યા હતા. જેઓ કેમિકલ જેવું પ્રવાહી કે જેમાં ભેળસેળ કરીને ઇંગ્લિશ દારૂની બાટલી તેમ જ વગેરે પર ડુપ્લીકેટ સ્ટીકર નો ઉપયોગ કરી નકલી દારૂ તૈયાર કરવામાં આવી રહ્યો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
જેથી એલસીબી ની ટુકડીએ ઉપરોક્ત નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ચલાવી રહેલા હરદીપસિંહ ઉર્ફે લાલો મહાવિરસિંહ ઉર્ફ સુખદેવસિંહ ઉર્ફે સુખુભા જાડેજા ગીરા ઉવ.૩૨ ધંધો ડ્રાઇવીંગ રહે. મોમાઇનગર શેરી નંબર-૫, સીટી બસ સ્ટોપની સામે, જામનગર (મુળ- નેવીમોડા તા.જી.જામનગર), (૨) શ્રીરાજસિંહ ઉર્ફે સિધ્ધરાજસિંહ ઉપેન્દ્રસિંહ ઝાલા ગીરા ઉવ.૨૫ ધંધો ડ્રાઇવીંગ રહે. રામેશ્વરનગર, નિર્મળનગર શેરી નંબર-૩ જામનગર, (૩) અર્જુનસીંગ તેજસીંગ સોઢા રાજપુત ઉવ.૩૦ ધંધો ડ્રાઇવીંગ રહે. ચોહટન, મેધવાલોકા વાસ, તા.ચોહટન જી.બાડમેર રાજસ્થાન, (૪) સુર્યપ્રતાપસીંગ ભાનુપ્રતાપસીંગ રાઠોડ રાજપુત ઉવ.૨૮ ધંધો મજુરી રહે. લોરડીગામ તા.વિજયનગર જી.બ્યાવર રાજસ્થાન, (૫) સૈતાનસીંગ ઉકારસીંગ રાઠોડ રાજપુત ઉવ.૪૩ ધંધો મજુરી રહે. બરેલાગામ તા.વિજયનગર જી.બ્યાવર રાજસ્થાન, અને (૬) સાવરલાલ ધેવરચંદ્ર મેવાળા કલાળ ઉવ.૨૪ ધંધો મજુરી રહે. બડલાગામ તા.હુરડા થાના ગુલાબપુરી જી.ભીલવાડા રાજસ્થાન વગેરેની અટકાયત કરી લીધી હતી.
એલસીબી ની ટીમ દ્વારા ડુપ્લીકેટ દારૂ બનાવના સ્થળેથી દારૂના ચપલા (પાઉચ) નંગ-૧૦૫૬ તથા અન્ય પદાર્થ (કેમીકલ) તથા સાધન સામગ્રી મોબાઇલ ફોન તથા વાહન મળી કુલ રૂ. ૭,૨૮,૪૫૦/- નો મુદામાલ કબજે કર્યો છે, અને પંચકોષી એ. ડિવિઝન પોલીસ મથકમાં તમામ છ આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતાની જુદી જુદી કલમો હેઠળ, અને પૂર્વયોજિત કાવતરું ઘડી નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ચલાવવા સંદર્ભે જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. જે તમામની વિશેષ પૂછપરછ ચલાવાઇ રહી છે.