જામનગર તાલુકાના મુંગણી ગામમાં પ્રેમ પ્રકરણમાં કરાયેલા જીવલેણ હુમલા નો બનાવ હત્યા માં પલટાયો
-
પ્રેમિકાના કાકા એ પ્રેમીના ઘરમાં ધસી આવી ફળિયામાં સુતેલા પ્રેમીના પિતા ઉપર છરીના ૧૧ ઘા જીકી દીધા હતા: જેમણે સારવારમાં દમ તોડ્યો
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૩ મે ૨૫, જામનગર તાલુકાના મુંગણી ગામમાં પ્રેમ પ્રકરણમાં ગંભીર વળાંક આવ્યો છે, અને પ્રેમી યુવાનના પિતા ઉપર પ્રેમિકાના પરિવારજનો વગેરેએ છરી વડે ૧૧ જેટલા ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હતો, જે ઈજાગ્રસ્ત નું જામનગર ની સરકારી જી.જી. હોસ્પિટલમાં મૃત્યુ નીપજતાં આ બનાવ હત્યામાં પલટાયો છે. જે તમામ હુમલાખોર ચાર આરોપીઓને સિક્કા પોલીસ શોધી રહી છે.આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના મુંગણી ગામમાં રહેતા બલરાજસિંહ ઉર્ફે બલીયો રાજેન્દ્રસિંહ કેર નામના ૨૨ વર્ષના યુવાનને ચંગા ગામના મહેન્દ્રસિંહ પિંગળના ભાઈની પુત્રી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જે મિત્રતામાં પ્રેમિકાએ પોતાનો સોનાનો હાર બલરાજસિંહ ને આપ્યો હતો, અને તે હાર ઉપર ફરિયાદી યુવાને લોન લીધી હતી.
ઉપરોક્ત બાબતની જાણકારી મહેન્દ્રસિંહ પિંગળ વગેરેને થઈ જતાં બંને પરિવાર વચ્ચે અગાઉ ઝઘડો થયો હતો, અને હાર પરત મેળવી લેવાયો હતો.
પરંતુ તેના ૩૦,૦૦૦ રૂપિયા ચૂકવેલા હતા, જે રૂપિયા પરત લેવા બાબતે ફરીથી ઝઘડો થયો હતો. જે ઝઘડા નું મનદુઃખ રાખીને પરમદીને રાતે મહેન્દ્રસિંહ પિંગળ પોતાના અન્ય ત્રણ સાગરીતો સાથે વનરાજસિંહ કેર ના ઘરે પહોંચી ગયા હતા, જ્યાં તેના પિતા રાજેન્દ્રસિંહ કે જેઓ ફળિયામાં સુતા હતા, જેના ઉપર તમામ શખ્સો એ છરી વડે હુમલો કરી દીધો હતો, અને ઉપરા છાપરી છરી ના ૧૧ જેટલા ઘા મારી દીધા હતા, અને ત્યાંથી ચારેય ભાગી છુટ્યા હતા.આ બનાવ બાદ રાજેન્દ્રસિંહ કેરને લોહી નીતરતી હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં ગઈ રાત્રે સારવાર દરમિયાન મૃત્યુ નીપજતાં આ બનાવ હત્યામાં પલટાયો છે.જે સમગ્ર મામલે બલરાજસિંહ રાજેન્દ્રસિંહ કેર એ સિક્કા પોલીસ મથકમાં પોતાના પિતા ઉપર જીવલેણ હુમલો કરવા અંગે મહેન્દ્ર સિંહ પિંગળ અને તેના અન્ય ત્રણ સાગરીતો સામે ફરિયાદ નોંધાવી છે.
જે ફરિયાદના અનુસંધાને સિક્કા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.જે. ચાવડા તેમજ સ્ટાફ ના લાલજીભાઈ રાતડીયા, કમલેશભાઈ કરથિયા સહિતની પોલીસ ટુકડી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે, અને ઉપરોક્ત હુમલા ના બનાવવામાં બી.એન.એસ. કલમ ૧૦૩-૧ નો ઉમેરો કરાઈ રહ્યો છે, જ્યારે નાસી છૂટેલા તમામ આરોપીઓની શોધ કોડ ચલાવાઇ રહી છે.