જામનગરની નવાનગર હાઈસ્કુલમાં એક શિક્ષિકાએ બળજબરીથી વિદ્યાર્થીના વાળ કાપી નાંખ્યાની વાલી ની ફરિયાદ થી ચકચાર
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૨ સપ્ટેમ્બર ૨૫, જામનગરની સરકારી નવાનગર હાઈસ્કૂલમાં ધોરણ-૯ના વિદ્યાર્થીના આગળના વાળ એક શિક્ષિકાએ કાતર લઈને કાપી નાંખ્યાની ફરિયાદ ઉઠી છે. વિદ્યાર્થીના વાલીઓ જણાવે છે કે, અમારા છોકરાએ રોતા રોતા ફોન કર્યો હતો. આ અંગે અમે ઉપર સુધી ફરિયાદ કરશું.આ સમગ્ર ઘટનાની જાણવા મળતી વિગતો મુજબ બેડીના જોડીયાભૂંગા વિસ્તારમાં રહેતો એક સગીર સરકારની નવાગનર હાઈસ્કુલમાં વિદ્યાર્થીઓના વાલીઓને મીટીંગ માટે બોલાવવાના હોવાની સુચના હોવાથી ધોરણ-૯નો વિદ્યાર્થી તા.૧૯ના શુક્રવારે બપોરે શાળાની ઓફીસમાં વાલીના નંબર લખાવવા માટે ગયો હતો. જ્યાં ધોરણ-૧૨માં ભણાવતા એક શિક્ષિકા બેઠા હતા. તેણીએ વિદ્યાર્થીને જોઈને કહ્યું કે તારા વાળ બહુ વધી ગયા છે. વિદ્યાર્થીએ કહ્યું કે, હું કપાવી નાંખીશ. ત્યાં તો શિક્ષિકાને શું થયું ? કે, જાતે કાતર લઈને આગળના વાળ કાપી નાંખ્યા હતા. તેથી ડઘાયેલા વિદ્યાર્થીએ કોઈકના ફોનમાંથી વાલીને ફોન કરીને રોતા-રોતા હકિકત જણાવી હતી. વાલીઓએ આ વિસ્તારના સામાજિક કાર્યકર સંઘાર અનવરભાઈને વાત કરતાં તેઓએ વાલી સાથે મળીને જિલ્લા શિક્ષણાધિકારીને તેમજ ગાંધીનગરના શિક્ષણ વિભાગ સુધી ફોટા સાથે ફરિયાદ કરવાની કાર્યવાહી કરી છે.
આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી વિપુલભાઈ મહેતા જણાવે છે કે, હજી સુધી મારી પાસે કોઈ ફરિયાદ આવી નથી. પરંતુ જો આવશે તો ચોક્કસપણે તપાસ થશે, અને જવાબદારો સામે પગલા પણ લેવામાં આવશે. આમ જામનગર શહેરમાં ટુંકા ગાળામાં વિદ્યાર્થી હિંસાની બે ઘટના બાદ વિદ્યાર્થી અત્યાચારની ત્રીજી ઘટના બની છે.