જામનગર મહાનગર પાલિકાના પૂર્વ વિપક્ષી કોર્પોરેટર ઉપર મોડી સાંજે હુમલો કરાતાં ભારે દોડધામ : જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા
-
કોંગ્રેસ પાર્ટીમાંથી અગાઉ છૂટા થયા બાદ હાલ ‘આપ’માં જોડાયેલા કોર્પોરેટર પર હુમલો થવાથી સમર્થકો ના ટોળા ઉમટ્યા : પોલીસ ટુકડી દોડી ગઈ
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૯,ડિસેમ્બર ૨૫ જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના પૂર્વ નેતા અને તાજેતરમાં જ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા વોર્ડ નંબર ૧૨ ના કોર્પોરેટર અસલમ ખીલજી ઉપર મોડી સાંજે મહાનગરપાલિકાના પ્રવેશદ્વારની બહારના ભાગમાં એકાએક હિચકારો હુમલો કરાતાં ભારે અફડા તફડી મચી ગઈ છે, અને તેઓને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા છે.
પૂર્વ કોંગી કોર્પોરેટર અને હાલ તાજેતરમાં જ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા અને વિરોધ પક્ષના પૂર્વ નેતા અસલમ ખીલજી મોડી સાંજે જામનગર મહાનગરપાલિકાની કચેરીમાંથી બહાર નીકળ્યા હતા, જે દરમિયાન ભીડભંજન રોડ પર માનપાની મુખ્ય કચેરીના ગઈટ પાસે કેટલાક શખ્સો તેમના ઉપર ધોકા પાઇપ જેવા હથિયારો સાથે તૂટી પડ્યા હતા, અને આડેધડ હુમલો કરી દેતાં હાથ પગ વગેરેમાં ઈજા થવાથી તેમને તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવને લઈને ભારે અફડાતફડી મચી ગઈ હતી, અને કોર્પોરેટર અસલમ ખીલજીના અનેક સમર્થકો જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને તંગ વાતાવરણ જોવા મળ્યું હતું.
આ બનાવની જાણ થતાં પોલીસ ટુકડી ઘટના સ્થળે અને ત્યારબાદ જીજી હોસ્પિટલમાં દોડી ગઈ હતી અને આ બનાવ મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. તેઓ ઉપર કોણે હુમલો કર્યો છે, અથવા કયા કારણસર હુમલો થયો છે, તે જાણી શકાયું નથી. સમગ્ર મામલા પોલીસ વધુ ચલાવી રહી છે.


