જામનગરમાં રેલવે ફાટકમેનની ઘોર બેદરકારી, કેબીનને તાળું મારી ગાયબ !

0
572

જામનગર ફાટકમેનની બેદરકારી! કેબિનને તાળું મારી ગુમ, ફાટક અર્ધ ખુલ્લુ છોડી દીધું

  • જામનગર નજીક નવા નાગના ગામના રેલવે ફાટક પર જોખમી સ્થિતિ, અર્ધખુલ્લા ફાટક નીચેથી વાહનચાલકો પસાર થતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

  • રેલવે તંત્રની ટીમે આજરોજ સ્થળની મુલાકાત લઈ જરૂરી કાર્યવાહી માટે તપાસ આરંભી

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૮,નવેમ્બર ૨૬ જામનગરના નવા નાગના ગામ નજીક આવેલા રેલવે ફાટક નંબર ૧૯૩ પર ફાટકમેનની ગંભીર બેદરકારી સામે આવી છે. ફરજ પરના કર્મચારીએ રેલવે કેબિનને તાળું મારી ફાટક અર્ધબંધ હાલતમાં છોડીને જતા રહેતાં વાહનચાલકોની સુરક્ષા સામે જોખમ ઊભું થયું હતું. આ ઘટનાનો વીડિયો સોસીયલ મીડિયા ના માધ્યમોમાં ફરતો થતાં ભારે ચર્ચા જાગી છે.મળતી માહિતી મુજબ, ગત સોમવારે બપોરના સમયે ફાટક પર ફરજ બજાવતા કર્મચારીએ પોતાની કેબિનને તાળું મારી દીધું હતું અને ફાટકને સંપૂર્ણ બંધ કે ખુલ્લું રાખવાને બદલે અર્ધબંધ હાલતમાં મૂકીને ત્યાંથી ચાલ્યા ગયા હતા. આ દરમિયાન ફાટક પરથી પસાર થતા નાના-મોટા વાહનોના ચાલકો અર્ધખુલ્લા ફાટક નીચેથી જોખમી રીતે પસાર થતા જોવા મળ્યા હતા.સદનસીબે આ સમયગાળા દરમિયાન કોઈ ટ્રેન પસાર થઈ ન હતી અને મોટી દુર્ઘટના ટળી હતી. જોકે, ફાટકમેનની ગેરહાજરીમાં જો અચાનક ટ્રેન આવી જાય તો ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેવી સ્થિતિ હતી. ખાસ કરીને ફાટક સંપૂર્ણ બંધ ન હોવાથી વાહનચાલકોને ટ્રેનની અવરજવર અંગે જાણકારી મેળવવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે.આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ રેલવે તંત્રની સુરક્ષા વ્યવસ્થા અને ફરજ પરના કર્મચારીઓની જવાબદારી સામે સવાલો ઊઠ્યા છે. ફાટક જેવા સંવેદનશીલ સ્થળે ફરજ બજાવતા કર્મચારીની ગેરહાજરી અને કેબિનને તાળું મારી ફાટક અર્ધબંધ છોડી દેવાની બાબતને ગંભીરતાથી લઈ તપાસ કરવામાં આવે તથા જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક લોકોમાં માગ ઊઠી છે.