જામજોધપુરના ધ્રાફા-કડબાળ વિસ્તારમાં પાંજરે પુરાયો દીપડો: વન વિભાગને વહેલી સવારે સફળતા
-
પાંચથી સાત વર્ષનો નર દીપડો પકડાયો; ગ્રામજનો, ખેડૂતો અને પશુપાલકોમાં ફેલાયેલો ભય હળવો થયો
દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૮ ,નવેમ્બર ૨૬ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ધ્રાફા-કડબાળ ગામ આસપાસના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાની સતત અવરજવરને કારણે ગ્રામજનો, ખેડૂતો, ખેતમજૂરો અને પશુપાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ગ્રામજનો તેમજ જામજોધપુર-લાલપુરના ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલી રજૂઆતને પગલે વન વિભાગે દીપડાને પકડવા હાથ ધરેલી કામગીરી દરમિયાન આજે વહેલી સવારે આશરે સાત વાગ્યે એક નર દીપડો પાંજરે પુરાતાં સફળતા મળી હતી.
આ અંગે નાયબ વન સંરક્ષક, જામનગર તથા મદદનીશ વન સંરક્ષક, જામનગર દ્વારા દીપડાને પકડવા તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને જામજોધપુર નોર્મલ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર એમ.આર. માલમ દ્વારા કચેરીના સ્ટાફની વિશેષ રેસ્ક્યુ ટીમ તૈયાર કરવામાં આવી હતી.વન વિભાગની ટીમે ધ્રાફા ગામ આસપાસના સીમ વિસ્તારમાં ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી દીપડાની અવરજવરના સ્થળોને ધ્યાનમાં રાખીને જુદી-જુદી ત્રણ જગ્યાએ પાંજરાં ગોઠવ્યાં હતાં. સતત દેખરેખ અને સઘન કામગીરીના પરિણામે આજે વહેલી સવારે આશરે સાત વાગ્યાના અરસામાં ગોઠવેલા પાંજરામાં દીપડો કેદ થઈ ગયો હતો.
પાંજરે પુરાયેલા દીપડાની તપાસ દરમિયાન તે નર હોવાનું અને તેની ઉંમર અંદાજે પાંચથી સાત વર્ષ હોવાનું જાણવા મળ્યું હતું. દીપડો હાલ સંપૂર્ણ તંદુરસ્ત હાલતમાં છે અને તેને કોઈ સારવારની જરૂર જણાતી નથી. વન વિભાગ દ્વારા તેને માનવ વસવાટથી દૂર સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.આ રેસ્ક્યુ કામગીરીમાં ઈન્ચાર્જ વનપાલ સીદસરના અશોકભાઈ એમ. પીંડારિયા, ઈન્ચાર્જ વનરક્ષક સીદસરના રમેશભાઈ એલ. બઢીયાવદરા, વનરક્ષક જામજોધપુરના પ્રવિણભાઈ એલ. બઢીયાવદરા, વનરક્ષક મહીકીના વિશાલભાઈ જે. ગોજીયા તથા વનરક્ષક શેઠવડાળાના મહેશભાઈ બી. સોઢાએ જોડાઈ કામગીરી પાર પાડી હતી.
દીપડો પાંજરે પુરાતાં ધ્રાફા-કડબાળ વિસ્તારના ગ્રામજનો, ખેડૂતો અને પશુપાલકોમાં રાહતની લાગણી ફેલાઈ છે. વન વિભાગ દ્વારા ગ્રામજનોને વન્યપ્રાણીઓથી સલામત અંતર જાળવવા તેમજ વિસ્તારમાં કોઈ વન્યપ્રાણી દેખાય તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.


