જામનગરના રણજીતસાગર ડેમમાં ગેરકાયદે માછીમારીનો પર્દાફાશ

0
21050

જામનગરના રણજીતસાગર ડેમમાં ગેરકાયદે માછીમારીનો પર્દાફાશ, ફાયર બ્રિગેડે ૧૬ મોટી જાળ બહાર કાઢી

  • બે દિવસથી ચાલતી કામગીરીમાં ૫૦ ફૂટથી વધુ લાંબી જાળ મળી આવ્યાની વિગતો, રાત્રિના અંધકારમાં માછીમારી થતી હોવાની આશંકા

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૮ નવેમ્બર ૨૬, જામનગર શહેરના પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત રણજીતસાગર ડેમમાં ગેરકાયદે માછીમારીનું નેટવર્ક ચાલતું હોવાની આશંકા વચ્ચે ચોંકાવનારી વિગતો સામે આવી છે. ડેમના પાણીમાં માછીમારી માટે બિછાવવામાં આવેલી અનેક મોટી જાળ જોવા મળતાં ફાયર બ્રિગેડની મદદથી જાળ બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. છેલ્લા બે દિવસથી ચાલી રહેલી આ કામગીરી દરમિયાન અત્યાર સુધીમાં ૧૬ જેટલી મોટી જાળ બહાર કાઢવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. અને આજે પણ વધુ માછીમારી ઝળ કાઢવામાં આવી રહી છેપ્રાપ્ત વિગતો અનુસાર, રણજીતસાગર ડેમના સુરક્ષા વિભાગના કર્મચારીઓની નજર ડેમના પાણીમાં માછીમારી માટે બિછાવવામાં આવેલી જાળ પર પડતાં આ અંગે સંબંધિત તંત્રને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમને સ્થળ પર બોલાવવામાં આવી હતી અને પાણીમાં બિછાવેલી જાળ બહાર કાઢવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું.છેલ્લા બે દિવસથી ચાલી રહેલી કામગીરી દરમિયાન પાણીમાંથી નાની-મોટી અનેક જાળના ટુકડાઓ બહાર કાઢવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ૧૬ જેટલી મોટી જાળ મળી આવી હોવાનું જાણવા મળ્યું છે. કેટલીક જાળની લંબાઈ ૫૦ ફૂટથી પણ વધુ હોવાનું સામે આવ્યું છે. આજે પણ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જાળ કાપીને બહાર કાઢવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે.પ્રાથમિક વિગતો મુજબ રાત્રિના અંધકારનો લાભ લઈને કેટલાક અજાણ્યા શખસો દ્વારા ડેમમાં જાળ બિછાવી માછીમારી કરવામાં આવતી હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. શહેરને પીવાનું પાણી પૂરું પાડતા મહત્ત્વના જળાશયમાં આ પ્રકારની પ્રવૃત્તિ થતી હોય તો તે ગંભીર બાબત ગણાય છે. ડેમની સુરક્ષા વ્યવસ્થા અને ગેરકાયદે માછીમારી પાછળ કોણ જવાબદાર છે તે દિશામાં તપાસ કરવામાં આવે તો મોટું નેટવર્ક બહાર આવે તેવી શક્યતા છે.હાલ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જાળ બહાર કાઢવાની કામગીરી યથાવત્ છે. ડેમમાં હજુ કેટલી જાળ બિછાવવામાં આવી છે અને તેની પાછળ કોણ છે તે તપાસનો વિષય બન્યો છે.