જામનગરમાં પોલીસ પર હુમલાના બે ફરાર આરોપીઓને ઝડપવા SOG મધ્યપ્રદેશ રવાના

0
21

બાલાજી પાર્કમાં પોલીસ પર હુમલાના બનાવમાં ફરાર બે આરોપીઓની શોધ માટે એસઓજીની ટુકડી મધ્યપ્રદેશ રવાના

  • રાજકોટ રેન્જના આઈજીપી નિર્લિપ્ત રાય જી.જી. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્ત કોન્સ્ટેબલની મુલાકાતે; તબિયતના સમાચાર પૂછ્યા અને તપાસ અંગે ચર્ચા કરી

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૭ નવેમ્બર ૨૬ : જામનગરના ઢીચડા રોડ પર આવેલા બાલાજી પાર્ક-૩ વિસ્તારમાં ગાંજાના જથ્થા અંગે દરોડાની કામગીરી દરમિયાન પોલીસ પાર્ટી પર પથ્થરમારો કરી હુમલો કરવાના બનાવમાં ફરાર થયેલા બે આરોપીઓને ઝડપી લેવા પોલીસે તપાસ તેજ બનાવી છે. બંને આરોપીઓ મધ્યપ્રદેશ તરફ ભાગી ગયા હોવાની માહિતીના આધારે એસઓજીની તપાસ ટુકડી મધ્યપ્રદેશ રવાના થઈ છે અને આરોપીઓની શોધખોળ હાથ ધરી રહી છે. દરમિયાન, રાજકોટ રેન્જના આઈજીપી નિર્લિપ્ત રાય આજે જામનગર આવ્યા હતા અને જી.જી. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્ત પોલીસ કોન્સ્ટેબલની મુલાકાત લઈ તેમના તબિયતના સમાચાર પૂછ્યા હતા તથા બનાવ અને તપાસ અંગે ચર્ચા-વિચારણા કરી હતી.

જામનગર શહેરના બાલાજી પાર્ક-૩ વિસ્તારમાં ગત તા.૨૨ નવેમ્બરની રાત્રે એન્ટી નાર્કોટિક્સ શાખાના પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા, ત્યારે રામભાઈ ખોળવાળાની શેરી પાસે બે મહિલા અને બે પુરુષ શંકાસ્પદ હાલતમાં પ્લાસ્ટિકના બાચકાં સાથે મળી આવ્યા હતા. પોલીસ કર્મચારીઓએ પોતાની ઓળખ આપી પૂછપરછ કરવાનો પ્રયાસ કરતાં ચારેય શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને પોલીસ પાર્ટી પર હુમલો કર્યો હતો. બંને મહિલાઓએ પોલીસ કોન્સ્ટેબલને પકડી રાખ્યા હતા, જ્યારે બે પુરુષોએ પથ્થરમારો કરી હુમલો કરતાં કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજાને માથા સહિતના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી તથા ફ્રેક્ચર પણ થયું હતું. સાથેના અન્ય પોલીસ કર્મચારીને પણ માર મારવામાં આવ્યો હતો.

હુમલા બાદ બંને પુરુષ આરોપીઓ સ્થળ પરથી નાસી છૂટ્યા હતા, જ્યારે બે મહિલાઓને પોલીસે ઝડપી લીધી હતી. સ્થળ પર પડેલા બાચકાની તપાસ કરતાં તેમાંથી ૪ કિલો ૭૨૫ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ.૨,૩૬,૨૫૦ થતી હતી. ગાંજાના જથ્થા ઉપરાંત વજનકાંટો સહિત કુલ રૂ.૨,૩૬,૭૫૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં રાધા ડામોર અને મીરા ડામોર નામની બે મહિલાઓની ધરપકડ કરી અદાલત સમક્ષ રજૂ કરતાં ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા, જ્યારે ઠાકોર ડામોર અને ધર્મેન્દ્ર ડામોર નામના બંને ભાઈઓ હુમલો કરીને ફરાર થઈ ગયા હતા.

પોલીસ પર હુમલો, સરકારી ફરજમાં રૂકાવટ અને અન્ય ગુનાની કલમો હેઠળ સિટી-સી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ આ સમગ્ર પ્રકરણની તપાસ એસઓજી દ્વારા ચલાવવામાં આવી રહી છે. ફરાર બંને આરોપીઓ મધ્યપ્રદેશ તરફ ગયા હોવાની માહિતી મળતાં એસઓજીની તપાસ ટુકડી મધ્યપ્રદેશ રવાના થઈ છે અને બંનેને શોધી કાઢવા માટે તપાસ તથા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

આ દરમિયાન રાજકોટ રેન્જના આઈજીપી નિર્લિપ્ત રાય આજે જામનગરની મુલાકાતે આવ્યા હતા અને જી.જી. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્ત પોલીસ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજાની મુલાકાત લીધી હતી. તેમણે કોન્સ્ટેબલની તબિયત અંગે પૂછપરછ કરી હતી તેમજ તેમની સાથે વાતચીત કરી બનાવ અને પોલીસ તપાસ અંગે ચર્ચા-વિચારણા કરી હતી. પોલીસ પર હુમલાના આ બનાવમાં ફરાર આરોપીઓને ઝડપી લેવા જામનગર પોલીસ દ્વારા મધ્યપ્રદેશ તરફ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.