જામનગરમાં ફિલ્મી ઢબે બુલેટ આડું રાખી 7 શખ્સોએ કારમાં તોડફોડ મચાવી : મોબાઈલ ઝૂંટવવાનો પ્રયાસ

0
314

જામનગરમાં જૂના મનદુઃખનો ખાર રાખી યુવાનની કાર પર લોખંડના પાઇપથી હુમલો: કાચ તોડી યુવાન અને તેના સાથીને માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી

  • ખોડિયાર કોલોનીમાં રાજ ચેમ્બર સામે બુલેટ આડું રાખી કાર આંતરી સાત શખ્સોનો આતંક; કારમાં તોડફોડ કરી મોબાઇલ ઝૂંટવવાનો પ્રયાસ

  • આરોપી : – (૧) હરજી રબારી (૨) કીશન ખાભલા (૩) વિજય રબારી (૪) રાજ રબારી તથા અજાણ્યા ત્રણ ઇસમો રહે. જામનગર

દેશ દેવી ન્યુઝ જામનગર, તા. ૧૧ નવેમ્બર ૨૬ જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં રાજ ચેમ્બર સામે રોડ પર જૂના મનદુઃખના કારણે એક યુવાનની કાર આંતરી સાત શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કરી કારના કાચ, દરવાજા અને લાઇટમાં તોડફોડ કરી હતી. આ હુમલામાં કારચાલક યુવાન તથા તેની સાથે રહેલા સાહેદને ઇજાઓ પહોંચાડવામાં આવી હતી. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી મોબાઇલ ઝૂંટવી લેવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો.આ બનાવની વિગત મુજબ લાલપુર તાલુકાના જોગવડ ગામે રહેતા ૨૧ વર્ષના ધવલ જીતેશભાઈ વાસુ બ્રાહ્મણ તથા તેમના પિતાને જોગવડ ગામ પાસે આરોપીઓના સંબંધીઓ સાથે ઝઘડો થયો હતો. આ બાબતનો ખાર રાખીને ગત તા. ૯ નવેમ્બરના રોજ ધવલ જી.જી. હોસ્પિટલમાં સારવાર કરાવી પોતાની કાર નં. જીજે-૧૦-ડીઆર-૮૫૨૫માં ઘરે જઈ રહ્યા હતા, ત્યારે બપોરે આશરે પોણા ચાર વાગ્યાના અરસામાં ખોડિયાર કોલોનીમાં રાજ ચેમ્બર સામે આરોપી હરજી રબારી અને કિશન ખાભલાએ પોતાનું બુલેટ મોટરસાઇકલ કારની આગળ આડું રાખી રસ્તો રોક્યો હતો.

ત્યારબાદ બંને શખ્સોએ લોખંડના પાઇપ વડે કારમાં આડેધડ ફટકા મારી કાચ તોડી નાખ્યા હતા અને ધવલને પાઇપ વડે માર મારી ડાબા પડખા તથા ડાબા હાથમાં મુંઢ ઇજાઓ પહોંચાડી હતી. આ ઉપરાંત બેફામ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપી હરજીએ ધવલ પાસેથી મોબાઇલ ફોન ઝૂંટવી લેવાનો પ્રયાસ પણ કર્યો હતો.આ દરમિયાન બંને શખ્સોએ ધવલની સાથે રહેલા ભરતભાઈને પણ લોખંડના પાઇપ વડે છાતી તથા જમણા હાથના ભાગે માર મારી ઇજાઓ પહોંચાડી હતી અને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ ઉપરાંત સ્વિફ્ટ કાર જીજે-૧૦-ઈએચ-૯૭૦૦માં આરોપી વિજય રબારી, રાજ રબારી તથા અન્ય ત્રણ અજાણ્યા શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા અને લોખંડના પાઇપ વડે ધવલની કારમાં તોડફોડ કરી કાચ, દરવાજા તથા લાઇટને નુકસાન પહોંચાડ્યું હતું. આમ, સાત શખ્સોએ એકબીજાની મદદગારીથી હુમલો કરી આતંક મચાવ્યો હતો.આ અંગે ધવલ જીતેશભાઈ વાસુની ફરિયાદના આધારે જામનગર સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હરજી રબારી, કિશન ખાભલા, વિજય રબારી, રાજ રબારી તથા અન્ય ત્રણ અજાણ્યા શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તથા જી.પી. એક્ટની કલમ ૧૩૫(૧) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. બનાવ અંગે વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એમ. કુંભારવાડિયા ચલાવી રહ્યા છે.