જામનગરમાં મેઘરાજાની એન્ટ્રી, ધરતીપુત્રોમાં આનંદ

0
24571

સમગ્ર સૌરાષ્ટ્રની સાથે સાથે આજે જામનગર જિલ્લામાં પણ મેઘસવારીની ધમાકેદાર એન્ટ્રી : ખેડૂતોમાં ખુશીનો માહોલ

  • બપોર બાદ ધોધમાર ઝાપટાંથી શહેર-જિલ્લામાં ઠંડક પ્રસરી; ધ્રોલમાં ૪૭ મીમી સાથે બે ઇંચથી વધુ વરસાદ, લાલપુરમાં ૨૦ મીમી

દેશ દેવી ન્યુઝ જામનગર, તા. ૧૪ સપ્ટેમ્બર ૨૬: સમગ્ર સૌરાષ્ટ્રની સાથે જામનગર જિલ્લામાં પણ આજે આખરે મેઘરાજાની મેઘસવારી આવી પહોંચી હતી. બપોર બાદ જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં હેત વરસાવતા વરસાદના પગલે શહેરીજનો ઉપરાંત ખેડૂતોમાં પણ ખુશીની લાગણી ફેલાઈ હતી. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ધરતીપુત્રોને વરસાદ મળતાં ખેતીલાયક વિસ્તારોમાં પણ આશા જાગી છે, જ્યારે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.જામનગર જિલ્લામાં આજે સવારે ૮ વાગ્યાથી રાત્રે ૮ વાગ્યા સુધીના ૧૨ કલાકના સમયગાળા દરમિયાન જામનગર શહેરમાં ૧૦ મીમી વરસાદ નોંધાયો હતો. જોડિયામાં ૮ મીમી, જામજોધપુરમાં ૮ મીમી અને કાલાવડમાં ૫ મીમી વરસાદ નોંધાયો હતો.જ્યારે ધ્રોલ પંથકમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં ૧૨ કલાકમાં ૪૭ મીમી એટલે કે બે ઇંચથી પણ વધુ વરસાદ વરસી ગયો હતો. લાલપુર પંથકમાં પણ ૨૦ મીમી વરસાદ નોંધાયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે જામનગર શહેર અને જિલ્લામાં હજુ પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. આગામી સમયમાં વધુ વરસાદ પડે તેવી સંભાવનાને પગલે ખેડૂતોમાં પણ આશા બંધાઈ છે.દરમિયાન જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવામાન ખાતાની આગાહીના પગલે દરિયાકાંઠાના બંદરો પર ત્રણ નંબરના વાવાઝોડાના ભયસુચક સિગ્નલો લગાવી દેવામાં આવ્યા છે. દરિયામાં પવનની ગતિમાં પણ વધારો થયો છે અને તેજ ગતિએ પવન ફૂંકાઈ રહ્યો હોવાથી માછીમારોને સાવચેતી રાખવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.