ભાવનગરના લઠ્ઠાકાંડ સામે જામનગર કોંગ્રેસનો નવતર વિરોધ
-
હાથમાં પાણીની થેલીઓ લઈ દેશી દારૂની કોથળીઓનો પ્રતિકાત્મક દેખાવ કરી ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માગ
દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૧ ઓગસ્ટ ૨૬ ભાવનગરના લઠ્ઠાકાંડના પડઘા જામનગરમાં પણ સંભળાયા છે. આ ઘટનાના વિરોધમાં જામનગર શહેર-જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે લાલ બંગલા સર્કલ ખાતે નવતર પ્રકારે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ હાથમાં પ્લાસ્ટિકની પાણી ભરેલી થેલીઓ લઈને ઊભા રહીને જાણે દેશી દારૂની કોથળીઓ હોય તેવો પ્રતિકાત્મક દેખાવ કર્યો હતો.
ભાવનગરમાં લઠ્ઠાકાંડની ગંભીર ઘટનાને પગલે રાજ્ય સરકાર સામે આક્રોશ વ્યક્ત કરતાં કોંગ્રેસના કાર્યકરોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદે દારૂના વેચાણ અને લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓ બની રહી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે સરકારની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા.લાલ બંગલા સર્કલ ખાતે યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં પૂર્વ સાંસદ વિક્રમ માડમ, જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, કોંગ્રેસ અગ્રણી સહારાબેન મકવાણા સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.
કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે, રાજ્યમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદે દારૂનું વેચાણ બેરોકટોક ચાલી રહ્યું છે અને તેના કારણે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. ભાવનગરની લઠ્ઠાકાંડની ઘટનાને અત્યંત ગંભીર ગણાવી કોંગ્રેસે સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ કરવાની તેમજ જવાબદાર તમામ તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી હતી.
વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ દ્વારા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની પણ માગ કરવામાં આવી હતી. ગૃહ વિભાગની કામગીરી સામે સવાલો ઉઠાવી કોંગ્રેસે જણાવ્યું હતું કે, રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ કરાવવામાં સરકાર નિષ્ફળ રહી છે, તેથી નૈતિક જવાબદારી સ્વીકારી ગૃહમંત્રીએ રાજીનામું આપવું જોઈએ.હાથમાં પાણીની થેલીઓ લઈ તેને દેશી દારૂની કોથળીઓ તરીકે પ્રતિકાત્મક રીતે રજૂ કરીને કોંગ્રેસે લઠ્ઠાકાંડના મુદ્દે સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો. અનોખા વિરોધ પ્રદર્શનને પગલે લાલ બંગલા સર્કલ ખાતે લોકોમાં પણ આ વિરોધ ચર્ચાનો વિષય બન્યો હતો.


