જામનગરની આર.ટી.ઓ. કચેરીમાં નામ ટ્રાન્સફરની કામગીરીમાં ધાંધિયા, અરજદારો પરેશાન
-
જિલ્લા ઓટો કન્સલ્ટન્ટ એસોસિએશન દ્વારા કલેક્ટર અને વાહન વ્યવહાર અધિકારીને રજૂઆત
-
અકસમાત કે કાનૂની સ્થિતિમાં અગાઉના માલિકને ગંભીર મુશ્કેલી અને આર્થિક નુકસાન થવાની રાવ
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૧, ઓગસ્ટ ૨૬ જામનગર આરટીઓ કચેરીમાં વાહનના નામ ટ્રાન્સફર તેમજ હાયપોથેકેશન કેન્સલની કામગીરીમાં ટેકનિકલ મુશ્કેલીઓના કારણે અરજદારોને હાલાકી ભોગવવી પડી રહી હોવાની ફરિયાદ સાથે જિલ્લા ઓટો કન્સલ્ટન્ટ એસોસિએશન દ્વારા કલેક્ટર અને વાહન વ્યવહાર અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
વાહન માલિકીના ટ્રાન્સફર માટે અગાઉ ઓફલાઈન પ્રક્રિયાની સુવિધા હતી, પરંતુ હવે પ્રક્રિયા ઓનલાઈન કરી આધાર આધારિત ઓથેન્ટિકેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. વાહનના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ માં નોંધાયેલી વિગતો અને આધારકાર્ડમાં દર્શાવાતી વિગતોના ફોર્મેટ અથવા નામમાં થોડો પણ તફાવત હોય તો ઓનલાઈન અરજી આગળ વધી શકતી નથી. પરિણામે વાહનના નામ ટ્રાન્સફરની કામગીરી અટકી રહી હોવાનું એસોસિએશન દ્વારા રજૂઆતમાં જણાવાયું છે.
એસોસિએશનના જણાવ્યા મુજબ, વાહન સમયસર નવા માલિકના નામે ટ્રાન્સફર ન થાય તો અકસ્માત અથવા અન્ય કોઈ કાનૂની પરિસ્થિતિ સર્જાય તેવા સંજોગોમાં અગાઉના માલિકને ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ઉપરાંત અગાઉના માલિકને આર્થિક નુકસાન પણ વેઠવું પડી શકે છે. બીજી તરફ, નામ ટ્રાન્સફર ન થવાના કારણે નવા માલિકને બેન્ક લોન સહિતની પ્રક્રિયામાં પણ મુશ્કેલી ઊભી થઈ રહી છે.મહત્વનું છે કે અગાઉ જામનગર આરટીઓ કચેરીમાં દરરોજ અંદાજે ૧૨૫થી ૧૫૦ જેટલી ઓનલાઈન નામ ટ્રાન્સફરની અરજીઓ આવતી હતી. જોકે, આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત બન્યા બાદ અરજીઓની સંખ્યામાં અચાનક ઘટાડો નોંધાયો છે.
અગાઉ વાહન ટ્રાન્સફર માટે આધાર આધારિત કેવાયસી અથવા મોબાઇલ ઓટીપી એમ બે વિકલ્પ ઉપલબ્ધ હતા. હવે સિસ્ટમમાં ફેરફાર કરી વેચનાર વાહન માલિકના આધાર ઓટીપી મારફતે ઓથેન્ટિકેશન ફરજિયાત કરાયું છે. પરિણામે વાહન નોંધણીમાં નોંધાયેલા નામ અને આધારકાર્ડમાં દર્શાવાયેલા નામ વચ્ચે સામાન્ય તફાવત હોય તો પણ અરજીની ઓનલાઈન પ્રક્રિયા આગળ વધી શકતી નથી.આ સમસ્યાના કારણે વાહન માલિકો અને કન્સલ્ટન્ટો બંનેને મુશ્કેલી પડી રહી હોવાથી સિસ્ટમની ટેકનિકલ ખામીઓ દૂર કરી નામ ટ્રાન્સફરની કામગીરી સરળ બને તે માટે તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવા જિલ્લા ઓટો કન્સલ્ટન્ટ એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી છે.


