મુંબઈ ના ૧૯૯૩ના બૉમ્બ બ્લાસ્ટ સબંધિત ગોસાબારા હથિયાર લેન્ડિંગના ‘ટાડા’ કેસમાં ૧૨ આતંકીઓને સજા ફટકારાઈ
-
કુખ્યાત ડોન દાઉદ ઈબ્રાહીમના ઈશારે બાબરી ધ્વંશનો બદલો લેવા રચાયેલા ૩૩ વર્ષ જૂના કાવતરાનો પર્દાફાશ
-
જામનગર સ્પેશિયલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: ૧૦ દોષિતોને ૫ વર્ષની સજા અને દંડ: જ્યારે ૨ અન્ય દોષિતોને ૭ વર્ષની સજા અને દંડ ફટકારાયો
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૪, મે ર૬ ગુજરાત રાજ્યના ઇતિહાસમાં અને જામનગરની સ્પેશિયલ ડેઝીગ્નેટેડ (ટાડા) અદાલતે કુખ્યાત ડોન દાઉદ ઈબ્રાહીમની સૂચનાથી ભારતમાં હથિયારો ઘુસાડવાના ૩૩ વર્ષ જૂના ટાડા કેસમાં ૧૨ આતંકવાદીઓને દોષિત જાહેર કરી જામનગરની સ્પેશિયલ આદાલતે આકરી સજા ફટકારી છે. ડેઝીગ્નેટેડ જજ આર.પી. મોગેરા દ્વારા આપવામાં આવેલા આ ઐતિહાસિક ચુકાદામાં તમામ ૧૨ દોષિતોમાંથી ૧૦ આરોપીઓને ૫ વર્ષની સજા અને રૂ. ૫,૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો છે, જ્યારે અન્ય ૨ આરોપીઓને ૭ વર્ષની સખત સજા અને રૂ. ૮,૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો છે.
દોષિત ઠરેલા ૧૨ આરોપીઓમાં ઓસમાણ ઉર્ફે ઉસ્માન ઉમર કોરેજા, મામદ અલીમામદ ઉર્ફે મમદુ, હારુન આદમ સંધાર વાઘેર, અહેમદ ઇસ્માઈલ ઓલીયા, આરીફ અબ્દુલ રહેમાન ઉર્ફે આરીફ લંબુ લાખાણી, ઇફતેખાર મહમદ યુનુસ અન્સારી, મહમદ અયુબ અબ્દુલ કયુમ અન્સારી ઉર્ફે અયુબ ટકલો, લખમણ હરદાસ આહીર વસરા, મહમદ સલીમ ઉર્ફે સલીમ કુતા, ઉમરમિંયા ઉર્ફે મમુમિંયા ઈસ્માઈલ મિંયા ઉર્ફે પંજુમિંયા સૈયદ બુખારી, ઇસ્તીયાક અહેમદ મહમદ યુનીસ અન્સારી અને કાદીર અહેમદ અમીમ અહેમદ શેખનો સમાવેશ થાય છે.
આ સમગ્ર કાવતરાના મૂળીયા ૬ ડીસેમ્બર ૧૯૯૨ ના રોજ થયેલા બાબરી ધ્વંસ સાથે જોડાયેલા છે, જેનો બદલો લેવા અને દેશભરમાં આતંક મચાવી કોમી રમખાણો ભડકાવવાના હેતુથી ડોન દાઉદ ઈબ્રાહીમ અને તેના સાગરીતોએ દુબઈમાં બેસીને એક ભયાનક યોજના ઘડી હતી. દુબઈ સ્થિત મુસ્તુફા આમદ ઉમર ડોસા ઉર્ફે મુસ્તુફા મજનુ શેઠની માલિકીની ‘સદા અલ બહાર’ નામની લોંચ મારફતે કરાંચી નજીક દરિયામાંથી હથિયારોનો મસમોટો જથ્થો ભરવામાં આવ્યો હતો. કેસના પુરાવાઓ અને તપાસ મુજબ, આ હથિયારોની હેરફેરમાં પાકિસ્તાનની મરીન સિક્યોરિટી અને સેનાના અધિકારીઓ પણ સીધા સામેલ હતા, જેમણે કાળો પાવડર, આર.ડી.એક્સ., ૧૫૦ જેટલા આધુનિક હથિયારો, હેન્ડ ગ્રેનેડ અને રાઈફલો પૂરી પાડી હતી. મધદરિયે સેટેલાઇટ ટેલિફોનથી સંપર્ક કરી આ ઘાતક જથ્થાને ‘બીસ્મીલાહ’ નામની અન્ય લોંચમાં શિફ્ટ કરવામાં આવ્યો અને અંતે પોરબંદર નજીક ગોસાબારાના બંદર પર રાતોરાત તેનું લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ગોસાબારાથી ટ્રકો મારફતે આ હથિયારો સુરત, વલસાડ અને ઉત્તર પ્રદેશ સહિત દેશના વિવિધ ભાગોમાં મોકલી આપવામાં આવ્યા હતા.
આ કેસની તપાસ ૧૯૯૩ થી શરૂ થઈને છેક ૨૦૧૮ સુધી અવિરત ચાલી હતી, જે દરમિયાન જામનગર બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ટાડા અને આર્મ્સ એક્ટની કડક કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. આ ૨૫ વર્ષના લાંબા ગાળામાં પોલીસ અને તપાસ એજન્સીઓએ ઉતરોતર કડીઓ મેળવીને કુલ ૪૬ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તપાસમાં અનેક દિલધડક હકીકતો બહાર આવી હતી, જેનું નેતૃત્વ રીટાયર્ડ આઈ.પી.એસ. પી.કે. ઝા, સતીષ વર્મા અને હાલ સી.બી.આઈ.ના સ્પેશ્યલ ડિરેકટર મનોજ શશીધર જેવા કાબેલ અધિકારીઓએ કર્યું હતું. ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી તપાસ દરમિયાન સેંકડો હેન્ડ ગ્રેનેડ, એ.કે. ૪૭ સિરીઝની ડઝનબંધ રાઈફલો, હજારો જીવતા કારતુસ અને લાખો રૂપિયાનો અન્ય મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો. જોકે, આ કેસમાં દાઉદ ઇબ્રાહીમ, ટાઈગર મેમણ અને અનીશ ઇબ્રાહીમ સહિતના ૧૫ મુખ્ય સૂત્રધારો પાકિસ્તાન અને દુબઈમાં ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા, જેમને ટાડા કોર્ટ દ્વારા ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે. કુલ ૪૬ આરોપીઓમાંથી ૧૧ નું કેસ ચાલતા દરમિયાન મરણ થયું હતું, ૬ ને સુપ્રીમ કોર્ટના હુકમથી ડિસ્ચાર્જ કરાયા હતા, અને બાકીના ૨૯ આરોપીઓ સામે જામનગરની સ્પેશિયલ કોર્ટમાં ટ્રાયલ ચલાવવામાં આવી હતી.
ન્યાયની આ પ્રક્રિયા અત્યંત જટિલ અને પડકારજનક હતી, કારણ કે આરોપીઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં વિવિધ અરજીઓ કરીને ટ્રાયલને વારંવાર વિલંબમાં નાખવાના પ્રયાસો થયા હતા. પરંતુ કેસની ગંભીરતા અને કાયદાકીય આંટીઘુંટીઓને ભેદવા માટે જામનગરના જિલ્લા સરકારી વકીલ જમનભાઈ ભંડેરી સહિત ગુજરાત સરકાર દ્વારા રાજકોટના ખ્યાતનામ ધારાશાસ્ત્રી તુષાર ગોકાણીની સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર (સ્પે. પી.પી.) તરીકે ખાસ નિમણૂક કરવામાં આવી હતી. કોરોના કાળનો સમય બાદ કરતા માત્ર ચાર જ વર્ષના ટૂંકા ગાળામાં સ્પે. પી.પી. તુષાર ગોકાણી અને તેમની લડાયક ટીમે ૬૩ જેટલા સાહેદોની જુબાની નોંધીને પ્રોસિક્યુશનનો કેસ મજબૂત રીતે સાબિત કર્યો હતો. છેવટે, સ્પે. પી.પી.ની વિસ્તૃત દલીલોને માન્ય રાખીને કોર્ટે ૧૨ આરોપીઓને કસૂરવાર ઠેરવ્યા છે, અને તેમાંથી ૧૦ ને ૫ વર્ષની કેદ અને ૫ હજારનો દંડ, જ્યારે ૨ ને ૭ વર્ષની કેદ અને ૮ હજારનો દંડ ફટકારીને દાખલો બેસાડ્યો છે. આ ચુકાદો સ્પષ્ટપણે દર્શાવે છે કે ગુજરાતની ધરતી પર આતંકવાદને નેસ્ત-નાબૂદ કરવા માટે રાજ્ય સરકાર કેટલી કટિબદ્ધ છે.


