0
359

જામનગરના એસટી ડેપો વિસ્તારમાં એક યુવાન પર કેટલીક મહિલાઓના હુમલા ના વિડીયો વાયરલ થયા બાદ મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો

  • શંકર ટેકરી વિસ્તારમાં રહેતા એક યુવાનને માર મારવા અંગે પત્ની, સાસુ, પાટલા સાસુ અને પૂર્વ મહિલા કોર્પોરેટર ના બે પુત્ર સહિત સાત સામે ફરિયાદ

  • શંકર ટેકરીના કુખ્યાત તત્વો આઈજી નિર્લિપ્ત રાયની રડારમાં : ક્રાઈમ કુંડળી નો સર્વે શરૂ ?

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૩ એપ્રિલ ૨૬, જામનગરના એસટી ડેપો વિસ્તારમાં એક યુવાન પર કેટલીક મહિલાઓ એકત્ર થઈને તવીથા, ઝારા, હથોડી સહિતના ઓજારો વડે હુમલો કરતી હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જે મામલો આખરે સીટી એ. ડિવિઝન પોલીસ મથક સુધી પહોંચ્યો છે, જ્યાં ઇજાગ્રસ્ત યુવાને પોતાના પર જુની અદાલતના મનદુઃખ ના કારણે હુમલો કરવા અંગે પોતાની પત્ની, સાસુ, પાટલા સાસુ અને પૂર્વ મહિલા કોર્પોરેટરના બે પુત્રો સહિત સાત સામે ફરિયાદ નોંધાવી છે. બીજી બાજુ શંકર ટેકરીના કુખ્યાત તત્વો ની ક્રાઇમ કુંડળીનો સંવેં શરૂ થયો છે. અને સમગ્ર મામલો બાહોશ અધિકારી નિર્લિત રાયના દરબારમાં પહોંચ્યો હોવાનું મનાઈ રહ્યું છે.આવનારા દિવસોમાં તવાઈ સર્જાય તો નવાઈ નહીં ?

જામનગર શહેરમાં ગંભીર મારામારી અને ધમકીનો બનાવ સામે આવ્યો છે. કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા વસીમભાઈ સુમરાએ પોતાની પત્ની તથા સાસરીયાઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, વસીમભાઈ (ઉંમર ૩૫) અને તેમની પત્ની શહેનાજ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ઘરેલુ વિવાદ ચાલી રહ્યો હતો, જેના કારણે બંને અલગ રહેતા હતા. તા. ૧૧/૦૪/૨૦૨૫ના રોજ સાંજે વસીમભાઈ એ.ટી.એમ.માં રૂપિયા ૫૦૦૦ જમા કરવા ગયા હતા, ત્યારે તેમની પત્ની શહેનાજ, સાસુ રસિદાબેન, અંજુમબેન સહિત પાંચ જેટલા લોકો ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમને ઘેરીને હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીઓએ લાકડી, લોખંડના સાધનો તથા હાથથી માર મારી વસીમભાઈને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. હુમલા દરમિયાન ગાળો આપી અગાઉ નોંધાવેલી પોલીસ ફરિયાદ પાછી ખેંચવા દબાણ કરવામાં આવ્યું હતું. તેમજ ફરિયાદ પાછી નહીં ખેંચે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.

બનાવ દરમ્યાન આસપાસના લોકો ભેગા થતાં આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત વસીમભાઈને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડાબી આંખ, નાક, ખંભા તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ નોંધાઈ હતી.ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે અગાઉ થયેલા વિવાદોના ખાર રાખીને પૂર્વ આયોજનથી આ હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

હાલ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધવાની અને વધુ તપાસ હાથ ધરવાની કાર્યવાહી શરૂ કરી છે. જેમાં શહેનાઝબેન વસીમભાઈ, રસીદાબેન ગુલઝારભાઈ, અંજુમબેન અનવરભાઈ, રાભિયાબેન સબીરભાઈ, સમીમબેન શબ્બીરભાઈ, અનવર કાસમભાઇ ખફી અને ઈકબાલ ઉર્ફે ઇકો કસમભાઈ ખફી વગેરે સામે પોલીસે ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.