જામનગરના કાલાવડમાં ગઈ રાત્રે હિટ એન્ડ રનની ઘટનામાં માર્ગ પર ફરજ બજાવી પરત જઈ રહેલા હોમગાર્ડ ના જવાનનું અંતરયાળ મૃત્યુ નિપજતાં ભારે ચકચાર
-
એકટીવા સ્કૂટર સાથે ઉભેલા હોમગાર્ડના જવાનને પૂરપાટ ઝડપે આવી રહેલી બલેનો કારના ચાલકે હડફેટમાં લઈ કચડી નાખતાં કરુણ મૃત્યુ
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૭,ડિસેમ્બર ૨૫ જામનગર જિલ્લાના કાલાવડમાં ગઈ રાત્રે ૧૦.૦૦ વાગ્યાના અરસામાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો, અને હાઇવે રોડ પર પોતાની ફરજ પુરી કરી ને જઈ રહેલા હોમગાર્ડના એક જવાનને પૂર ઝડપે આવી રહેલી કારના ચાલકે હડફેટમાં લઈ કચડી નાખતાં અંતરિયાળ મૃત્યુ નીપજયું છે, જે બનાવને લઈને ભારે ચકચાર જાગી છે. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે.
આ ગોઝારા અકસ્માત ના બનાવની વિગત એવી છે કે કાલાવડમાં શીતલા કોલોની માં રહેતા અને હોમગાર્ડમાં ફરજ બજાવતા ગિરીશકુમાર જી. પરમાર (ઉ.વ.૩૫) કે જેઓ ગઈકાલે રાત્રે ૧૦.૦૦ વાગ્યે જામનગર-કાલાવડ હાઈવે રોડ પર આઈટીઆઈ નજીક પોતાની ફરજ પુરી કરી ને પરત જઇ રહ્યા હતા, અને એકટીવા સ્કૂટર સાથે ઉભા હતા. જે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી એક બલેનો કાર ના ચાલકે તેઓને હડફેટમાં લઈને કચડી નાખ્યા હતા. જે ગોઝારા અકસ્માતમાં બંને વાહનો અથડાયા હોવાથી તેમાં ભારે નુકસાની થઈ હતી, તેમજ હોમગાર્ડના જવાનનું ગંભીર ઇજા થવાથી અંતરયાળ મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવની જાણ થતા કાલાવડ ટાઉન ની પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડતી થઈ હતી, અને ગિરીશ પરમારના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે અકસ્માત સર્જનાર કારચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. હોમગાર્ડના જવાનનું ચાલુ ફરજ દરમ્યાન મૃત્યુ નિપજતાં જામનગર જિલ્લાના હોમગાર્ડ અધિકારી સહિતના અન્ય હોમગાર્ડ જવાનોએ ભારે શોક વ્યક્ત કર્યો છે.


