દિલ્હી બ્લાસ્ટના પગલે સમગ્ર રાજ્યની સાથે સાથે જામનગર શહેર અને જિલ્લામાં પણ તંત્ર એલર્ટ મોડમાં : સધન ચેકિંગ હાથ ધરાયું
-
જામનગર શહેર અને જિલ્લાના તમામ પ્રવેશદ્વારો પર તંત્ર ની ચાંપતી નજર: હોટલો- ધર્મશાળા- લોજ સહિત તમામ જાહેર સ્થળો પર કડક ચેકિંગ
દેવી ન્યુઝ જામનગર તા ૧૧ નવેમ્બર ૨૫, દિલ્હીમાં ગઈકાલે થયેલા બોમ્બ બ્લાસ્ટ ના પગલે સમગ્ર ગુજરાત રાજ્યભરમાં એલર્ટ જારી કરી દેવાયું છે, જેના ભાગરૂપે જામનગર જિલ્લામાં પણ પોલીસ તંત્ર સંપૂર્ણપણે એકસન મોડમાં આવી ગયું હતું, અને શહેર જિલ્લાના તમામ પ્રવેશદારો પર કડક ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, તેમજ શહેર અને જિલ્લાના હોટલ ધર્મશાળા લોજ તેમજ અન્ય જાહેર તમામ જાહેર સ્થળો પર કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
ગઈકાલે સાંજે દેશ ની રાજધાની દિલ્હી મુકામે બનેલ બ્લાસ્ટના બનાવ અનુસંધાને જામનગર જિલ્લામાં પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિ મોહન સૈની ની સૂચના મુજબ લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી પ્રતિભા તથા જામનગર શહેર વિભાગ ના ડી.વાય.એસ.પી. જે.એન.ઝાલા, તથા જામનગર ગ્રામ્ય વિભાગના નાયબ અધિક્ષક આર.બી. દેવધા, તથા એલ.સી.બી. ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ.લગારીયા, એસ.ઓ.જી. ના પી.આઈ. બી.એન.ચૌધરી તેમજ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સ્ટાફ સાથે જામનગર જિલ્લામાં અલગ અલગ સ્થળે સાવચેતીના ભાગરૂપે સઘન ચેકીંગ કરાયું હતું.
જામનગર શહેર તેમજ જિલ્લાના તમામ એન્ટ્રી પોઇન્ટ, ઉપરાંત વાઈટલ ઇન્સ્ટોલેશન, બંદર, જેટી, હોટલો, વાહન ચેકિંગ તેમજ ધાર્મિક સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, અને સમગ્ર રાત્રીભર પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવ્યું હતું.


