જામનગર જિલ્લામાં ગઈકાલથી હવામાનમાં પલટો આવ્યા બાદ આજે સવારે જામનગર પંથકમાં વરસાદી ઝાપટા વરસ્યા
-
જામજોધપુર ના મોટી ગોપ, ધૂનડા, કરશનપર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે છૂટો છવાયો વરસાદ નોંધાયો
-
અરબી સમુદ્રમાં કેન્દ્રિત થયેલા વાવાઝોડા ના પગલે જામનગર જિલ્લાના તમામ બંદરો પર ત્રણ નંબરના ભય સૂચક સિગ્નલો લગાવાયા
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૭ ઓક્ટોબર ૨૫, સમગ્ર કચ્છની સાથે સાથે જામનગર શહેર અને જિલ્લામાં પણ હવામાનમાં પલટો આવ્યો છે, અને આકાશમાં વાદળો ના આટા ફેરા જોવા મળી રહ્યા છે, તેના પગલે આજે સવારે જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદની વાતાવરણ બન્યું હતું અને છૂટાછવાયા વરસાદી જ ઝાપટાં શરૂ થઈ ગયા હતા. હજુ પણ વાદળછાયું વાતાવરણ હોવાથી વધુ વરસાદી ઝાપટા પડી શકે તેવી શક્યતાઓ દર્શાવાઇ રહી છે.
જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં ગઈકાલે કમોસમી વરસાદી ઝાપટાં વરસ્યા હતા. જામજોધપુર તાલુકાના ધૂનડા ગામ, મોટી ગોપ અને કરસનપર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે રાત્રિના 8:30 વાગ્યા બાદ વરસાદી ઝાપટા શરૂ થઈ ગયા હતા, અને અડધો કલાક સુધી ધીમીધારે વરસાદ ચાલુ રહ્યો હતો, જેથી સ્થાનિક ખેડૂતોમાં ચિંતા પ્રસરી હતી. જોકે મળેથી વરસાદ રોકાઈ ગયો હતો પરંતુ આજે પણ હજુ વરસાદી માહોલ બંધાયેલો છે, તેમજ પ્રતિ કલાકના ૩૦ થી ૩૫ કી.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.
અરબી સમુદ્રમાં કેન્દ્રિત થયેલા વાવાઝોડા ના પગલે હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન ફૂંકાઈ શકે અને વધુ વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી હોવાના પગલે જામનગર જિલ્લામાં આજે સોમવારે યેલો એલર્ટ ઝારી કરવામાં આવ્યું છે. ઉપરાંત જામનગર જિલ્લાના સિક્કા, સચાણા, જોડિયા સહિતના બંદરો ઉપર ત્રણ નંબરના ભય સૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે, જ્યારે માછીમારોને દરિયો નહીં ખેડવા માટેની સૂચના પણ આપવામાં આવી રહી છે.જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમ ના જણાવ્યા અનુસાર આજે સવારે ૮.૦૦ વાગ્યે પૂરા થતા ૨૪ કલાક દરમિયાન લઘુતમ તાપમાન ૨૨.૦ ડિગ્રી સેન્ટિગ્રેડ જ્યારે મહત્તમ તાપમાન ૩૧ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૯ ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ પ્રતી કલાકના ૩૦ થી ૩૫ કિ.મી ની ઝડપે રહી હતી.


