જામનગર ધ્રોલના હમાપર ગામે ખેતીની જમીન ખેડવા પ્રશ્ને બે જૂથ વચ્ચે ધિગાણું : 3 વ્યક્તિની હત્યાનો પ્રયાસ

0
9559

ધ્રોલ તાલુકાના હમાપર ગામમાં ખેતીની જમીન ખેડવાના પ્રશ્ન બે જૂથ વચ્ચે ધીંગાણું ખેલાયું : ત્રણ વ્યક્તિની હત્યાનો પ્રયાસ

  • બે મહિલા સહિતના એક જ પરિવારના ચાર શખ્સો ધારિયા કુહાડા જેવા હથિયારો સાથે તૂટી પડ્યા: પોલીસે હત્યા પ્રયાસ અંગે ગુનો નોંધ્યો

દેશ દેવી ન્યુઝજામનગર તા ૯,ઓક્ટોબર ૨૫ જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના હમાપર ગામમાં ખેતીની જમીન ખેડવાના પ્રશ્ન બે કુટુંબો વચ્ચે ધીંગાણું ખેલાયું હતું, અને પિતા પુત્ર અને કાકા સહિત ત્રણ વ્યક્તિઓ પર જીવલેણ હુમલો કરી હત્યા નો પ્રયાસ કરાયો છે.જે હુમલો કરવા અંગે એક જ પરિવારના બે મહિલા સભ્ય સહિત ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. ઇજાગ્રસ્તો જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.આ બનાવની વિગત એવી છે કે ધ્રોળ તાલુકાના હમાપર ગામમાં રહેતા અક્ષય કેશુભાઈ ડાંગર નામના ૨૬ વર્ષના ખેડૂત યુવાને પોતાના પિતા કેસુભાઈ ડાંગર, અને કાકા વિનુભાઈ ડાંગર ઉપર કુહાડી, ધારીયા જેવા ધારદારા હથીયાર વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવા અંગે બાજુમાં જ વાડી ધરાવતા રવિ મુળુભાઈ ડાંગર, રાજ મુળુભાઈ ડાંગર, ગનુબેન મુળુભાઈ ડાંગર અને પૂજા મુળુભાઈ ડાંગર સામે ફરિયાદ નોંધાવી છે.ત્રણેય ઇજાગ્રસ્તોને લોહી નીતરતી હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, અને તેઓની સારવાર ચાલી રહી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદીની ખેતીની જમીન આવેલી છે, જેની બાજુમાં સરકારી ખરાબાની જગ્યા માં આરોપીઓ ખેતી કામ કરી રહ્યા હતા, જેની સાથે સાથે ફરિયાદીના પરિવારની જમીનમાં પણ ખેડાણ કરી નાખ્યું હતું, તે અંગે સમજાવવા જતાં બંને પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો, ચારેય આરોપીઓ દ્વારા જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરાયાનું પોલીસમાં જાહેર થયું છે. સમગ્ર ઘટના બાદ ધ્રોળ પોલીસ ની ટીમ ઘટના સ્થળે અને જીજી હોસ્પિટલમાં દોડી ગઈ છે, જ્યારે ફરાર થઈ ગયેલા ચારેય આરોપીઓને શોધવા માટેની કવાયત હાથ ધરી છે.