જામનગર શહેરમાં ગેરકાયદે રીતે લગાવાયેલા હોર્ડિંગ્સ- બોર્ડ દૂર કરાયા

0
1700

જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખા ની ટુકડી દ્વારા શહેરમાં ગેરકાયદે રીતે લગાવાયેલા જાહેરાતના હોર્ડિંગ્સ- બોર્ડ દૂર કરવાની કાર્યવાહી

  • શહેરના અલગ અલગ વિસ્તારોમાં ૩ ટુકડીઓને દોડતી કરાવાઈ : ત્રણ દિવસમાં ૬૫૦ થી વધુ મંજૂરી વગરના બેનર પોસ્ટર ઉતારી લઈ કબજે કરી લેવાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૬ ઓક્ટોબર ૨૫, જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા ની ટીમ દિવાળીના તહેવારોને લઈને સક્રિય બની છે, અને જુદી જુદી ત્રણ ટીમો બનાવી શહેરના મુખ્ય રોડ પર મહાનગરપાલિકાની જગ્યામાં મંજૂરી લીધા વીના લગાવી દેવાયેલા ૬૫૦ થી વધુ જાહેરાતના બોર્ડ કિયોસ્ક દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી છે. શહેરમાં ખાસ કરીને દિવાળીના તહેવારો દરમિયાન જાહેર માર્ગ પર મહાનગરપાલિકાની મિલકતોમાં આડેધડ મુકાયેલા જાહેરાતના બોર્ડ અને બેનરોને જપ્ત કરવાની જામ્યુકોની દબાણ હટાવ શાખાએ કામગીરી હાથ ધરી હતી, અને છેલ્લા ત્રણ દિવસમાં ૬૫૦ વધુ પોસ્ટર, બોર્ડ, અને બેનરો જપ્ત કરવામાં આવ્યા છે.જામનગર શહેરમાં દિવાળીના તહેવારોને કારણે કેટલાક ધંધાર્થીઓએ મંજૂરી મેળવ્યા વિના આડેધડ જાહેરાત માટે બોર્ડ અને બેનરો લગાડવામાં આવ્યા હતા. જેથી આડેધડ મુકાયેલા બોર્ડ અને બેનરો જપ્ત કરવાની જામ્યુકોની એસ્ટેટ શાખાના દબાણ હટાવ અધિકારી અનવર ગજ્જણના માર્ગદર્શન હેઠળ ટીમે કામગીરી હાથ ધરી હતી. જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં ત્રણ ટીમો બનાવીને છેલ્લા ત્રણ દિવસથી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જેમાં રણજીતસાગર રોડ, હવાઈ ચોક, ટાઉન હોલ, સેન્ટ્રલ બેંક, એસ.ટી.રોડ, બેડી નાકા, પી.એન. માર્ગ, સાત રસ્તાથી ટાઉન હોલ સુધીનો રોડ, સમર્પણ સર્કલ, ખોડીયાર કોલોની શરૂ સેકશન રોડ સહિતના વિસ્તારોમાં કોઈપણ પ્રકારની મંજૂરી વગર લગાવી દેવાયેલા બિન અધિકૃત એવા ૬૫૦ થી વધૂ જાહેરાત ના બોર્ડ અને બેનરો જપ્ત કરવામાં આવ્યા છે. જે કાર્યવાહી આજે રવિવારના રજાના દિવસે પણ ચાલુ રખાઇ છે.