જામનગર નજીક નાઘેડી પાસે આવેલા લહેર તળાવમાં ઝંપલાવી એક યુવાનનો આપઘાત : ફાયરે મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપ્યો
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૪ સપ્ટેમ્બર ૨૫, જામનગર નજીક નાઘેડી વિસ્તારમાં આવેલા લહેર તળાવમાં ઝંપલાવી દઇ એક યુવાને આપઘાત કરી લીધો હતો. ફાયરે મૃતદેહ ને બહાર કાઢી પોલીસને સુપ્રત કર્યો છે.આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક નાઘેડી વિસ્તારમાં આવેલા લહેર તળાવમાં બપોરે ૨.૩૦ વાગ્યાના અરસામાં એક યુવાને ઝંપલાવી દીધું હતું, અને આત્મહત્યા કરી લીધી હતી.જે બનાવની જાણ થતાં નાઘેડીના સરપંચ સુરેશભાઈ બાંભણિયા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને સૌ પ્રથમ જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડને જાણ કરી હતી જેથી ફાયર શાખાની ટુકડી તુરતજ દોડી ગઈ હતી, અને મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો, અને પોલીસને સુપ્રત કર્યો હતો.પંચકોષી બી. ડિવિઝન નો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો, અને મૃતદેહ નો કબજો સંભાળ્યો હતો. પોલીસ તપાસમાં મૃતકનું નામ નાગજીભાઈ હમીરભાઇ નંદાણીયા અને (ઉંમર વર્ષ ૨૨) તેમજ જામનગર શહેરમાં ગોકુલ નગર વિસ્તારમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું.
મૃતક યુવાન પોતાના ઘેરથી ચાલ્યા ગયા બાદ તેના પરિવારજનો શોધી રહ્યા હતા, ત્યારે તેનો મૃતદેહ હાથ લાગ્યો હતો. પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોના નિવેદનો નોંધવાનું શરૂ કર્યું છે. તેણે કયા સંજોગોમાં આત્મહત્યાનું પગલું ભરી લીધું તે હજુ સુધી જાણી શકાયું નથી.