જામનગરમાં લાલવાડી વિસ્તારમાં ગેરેજ સંચાલક યુવાનની પરોઢિયે હત્યા

0
14073

જામનગરમાં લાલવાડી વિસ્તારમાં ગેરેજ સંચાલક યુવાનની પરોઢિયે હત્યાની ઘટનાથી ભારે ચકચાર

  • માથામાં બોથડ પદાર્થ નો ઘા ઝીંકી દઈ ઢીમ ઢાળી દીધું: પોલીસ દ્વારા હત્યારાને શોધવા માટેની કવાયત

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૯ સપ્ટેમ્બર ૨૫, જામનગરમાં ગુલાબ નગર વિસ્તારમાં રહેતા અને લાલવાડી એરિયામાં ગેરેજ ચલાવતા અખ્તર રફિકભાઈ ખીરા નામના ૨૭ વર્ષના સુમરા યુવાનની આજે પરોઢિયે કોઈ શખ્સ દ્વારા હત્યા નિપજાવાઈ છે. સંચાલક યુવાન લાલવાડી વિસ્તારમાં લોહી લુહાણ થઈને ઢળી પડ્યો હતો, જેને સારવાર માટે વહેલી સવારે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં તેનો મૃતદેહજ પહોંચ્યો હતો, અને બનાવ હત્યામાં પલટાયો હતો.આ ઘટનાની જાણ થતાં મૃતક અખ્તર ના પિતા રફિકભાઈ તથા અન્ય પરિવારજનો જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને સમગ્ર પરિવારમાં માતમ છવાયો હતો. આ મામલે પોલીસને જાણ થવાથી સીટી એ. ડિવિઝનના પી.આઇ. એન.એ. ચાવડા અને તેમનો સ્ટાફ પણ બનાવના સ્થળે અને જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો હતો, અને સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.મૃતક ના પિતા રફિકભાઈના જણાવ્યા અનુસાર તેના પુત્ર ને એક શખ્સ સાથે વાંધો ચાલતો હતો, અને તેના દ્વારા આ હત્યા નિપજાવાઈ હોવાની શંકા દર્શાવી છે. મૃતક યુવાને માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી દીધા હોવાથી તેની ખોપડી ફાટી ગઈ છે અને બનાવ હત્યામાં પલટાયો છે. પોલીસે બનાવના આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરા વગેરેની મદદ લઈને હત્યારા ને શોધવા માટેની કવાયત શરૂ કરી દીધી છે.