જનતાની સુખાકારી એ જ મારા જન્મદિવસની ઉજવણી : રિવાબા જાડેજા

0
1069

જામનગરના ૭૮- ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજાના જન્મદિવસે સંકલ્પ ; ‘જનતાની સુખાકારી એ જ મારા જન્મદિવસની ઉજવણી’

  • આગામી તા ૧૨ મી સપ્ટેમ્બરે સમાજના દરેક વર્ગને સ્પર્શતા ૧૪ જેટલા કાર્યો કરવાના સંકલ્પ સાથે જન્મ દિવસની વિશેષ રૂપે ઉજવણી કરાશે

દેશ દેવી ન્યૂઝ  જામનગર તા ૯ સપ્ટેમ્બર ૨૫, જામનગરના ૭૮- ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શ્રીમતી રિવાબા રવીન્દ્રસિંહ જાડેજા ના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ‘જનતાની સુખાકારી એજ મારા જન્મદિવસની ઉજવણી’ એ સૂત્રને સાર્થક કરવા માટે આગામી તારીખ ૧૨મી સપ્ટેમ્બર -૨૦૨૫ ના રોજ વિશ્વકર્મા બાગમાં સવારે ૧૦.૦૦ વાગ્યે સમાજના દરેક વર્ગને સ્પર્શતા ૧૪ જેટલા સેવાકીય પ્રકલ્પો ના વિશેષ સંકલ્પની સાથે ઉજવણી કરવામાં આવશે.જામનગરના ૭૮- ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રીવાબા જાડેજા, કેજો પોતાના જન્મદિવસની પ્રતિવર્ષ કોઈને કોઈ સેવા પ્રકલ્પો સાથે જોડીને જ ઉજવણી કરતા આવે છે, અને ખાસ કરીને તેઓએ પોતાના જીવનમાં ‘જનતાની સુખાકારી એ જ મારા જન્મદિવસની ઉજાણી’ તે સૂત્રને સાર્થક કરીને બતાવ્યું છે. ત્યારે આ વખતે પણ આગામી તારીખ ૧૨ મી સપ્ટેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે.

તે સમયે તેઓ જુદા જુદા ૧૪ જેટલા સેવાકીય પ્રકલ્પો, કે જે સમાજના દરેક વર્ગને સ્પર્શતા હોય, તેવા વિવિધ સેવા પ્રકલ્પોની સૂચિ બનાવીને તે કાર્યો કરવાના સંકલ્પ સાથે જન્મદિવસની વિશેષ રૂપે ઉજવણી કરી રહ્યા છે.જેમાં ૧,૦૦૦ થી વધુ યુવાનો માટે ૩૫ જુદી જુદી કંપનીઓની ઉપસ્થિતિમાં રોજગાર મેળાનું આયોજન કરાયું છે, તેમજ પાંચ પરિવારને ઇ.વી. રીક્ષા ની ભેટ આપવામાં આવશે. જ્યારે મહિલાના સુપોષણ માટેની કીટનું પણ વિતરણ કરવામાં આવશે.વિવિધ સરકારી યોજનાઓનો પ્રત્યક્ષ લાભ કે જેનું પ્રદાન પણ કરવામાં આવશે, જ્યારે વોર્ડ નંબર -૨ સ્થિત રાંદલનગર શાળાના બાળકોને ગણવેશની ભેટ આપવામાં આવશે. ધારાસભ્યની ગ્રાન્ટ માંથી રૂપિયા ૨૫ લાખના ખર્ચે રાજપૂત સમાજ માટેના એસી હોલનું ઇ- લોકાર્પણ કરવામાં આવશે, જયારે વોર્ડ નંબર-૩ સ્થિત વિજ્યાબા હોલનું ધારાસભ્યની ગ્રાન્ટ માંથી રૂપિયા ૧૭ લાખના ખર્ચે ડોમ નું નિર્માણ અને તેનું ઈ લોકાર્પણ થશે.

આ ઉપરાંત વોર્ડ નંબર -૨ પુનિત નગર સ્થિત શ્રી હનુમાનજીના મંદિરનું ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂપિયા ૧૦ લાખના ખર્ચે પુન: નિર્માણ થયું છે, જેનું પણ ઇ- લોકાર્પણ કરવામાં આવશે. વોર્ડ નંબર -૨ સ્થિત શ્રી સાઈબાબા મંદિર ખાતે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂપિયા ૧૪ લાખના ખર્ચે ડોમના નિર્માણનું પણ ઇ- લોકાર્પણ કરાશે.આવાસ હોમ લોન ના સહયોગથી ડેન્ટલ હોસ્પિટલ ખાતે રૂપિયા ૩૫ લાખના ખર્ચે સ્થાપિત સોલાર રૂફટોપ નું લોકાર્પણ કરાશે. જયારે નેશનલ અને ઇન્ટરનેશનલ રમતવીરોનું આ તકે સન્માન પણ કરવામાં આવશે.

વોર્ડ નંબર -૪ સ્થિત બુથ નંબર ૪૮ના બુથ પ્રમુખ સ્વ. બલરામભાઈ ચાવડા ના પરિવારને રૂપિયા ૧૦ લાખ નો ચેક અર્પણ કરવામાં આવશે. જ્યારે ૭૮- વિધાનસભા વિસ્તારના વોર્ડ પ્રમુખ અને મહામંત્રીઓ તેમજ કોર્પોરેટર અને વોર્ડની ટીમને રૂપિયા ૧૫ લાખનું વીમા કવચ પ્રદાન કરાશે. જયારે કુલ ૧૧ દીકરીઓને સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત રૂપિયા ૧૧,૦૦૦ અર્પણ કરવામાં આવશે.આગામી તારીખ ૧૨ મી સપ્ટેમ્બર ૨૦૨૫ ના સવારે ૧૦.૦૦ કલાકે ગાંધીનગર મેઇન રોડ પર આવેલા વિશ્વકર્મા બાગમાં આ તમામ સેવાયજ્ઞ હાથ ધરવામાં આવશે, ત્યારબાદ સંતો મહંતના આશીર્વાદ પણ મેળવશે.