જામનગર : છોટીકાશી માં ચંદ્રગ્રહણને કારણે રવિવારે બપોરે મંદિરો થયા મંગળ

0
1720

છોટીકાશી માં ચંદ્રગ્રહણને કારણે રવિવારે બપોરે મંદિરો થયા મંગળ

  • જામનગર શહેર તેમજ આસપાસ ના વિસ્તારમાં આવેલા મોટાભાગનાં મંદિરોમાં સાંજે દર્શન બંધ રહ્યા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૭ સપ્ટેમ્બર ૨૫ ‘છોટીકાશી’ કહેવાતા જામનગરમાં ભાદરવી પૂનમનાં ચંદ્રગ્રહણને પગલે રવિવારે બપોરે મંદિરોનાં દ્વાર બંધ થઇ ગયા હતા. મોટાભાગનાં મંદિરોમાં ભગવાનનાં દર્શન-સેવા ક્રમમાં ફેરફાર થયો હતો, અને દિવસભરની તમામ સેવાઓ બપોર સુધીમાં પૂર્ણ કરવામાં આવી હતી.વિવિધ મંદિરોમાં બપોર સુધી ભક્તોએ દર્શન કર્યા હતા, અને સાંજનાં મંદિરોનાં દ્વાર બંધ રહ્યા હતા. તો અમુક ધર્મસ્થાનોમાં ગ્રહણ સમયે દર્શન ખુલ્લા રહ્યા હતાં. તમામ મંદિરોમાં જલ સંગ્રહ કરતા વાસણો ખાલી કરી કુશા ઘાસ (દર્ભ) રાખી દેવામાં આવ્યુ હતું. ગ્રહણની ધાર્મિક માન્યતાઓને અનુસરતા લોકોએ ઘરમાં પણ મંદિરો કે પૂજા સ્થાનમાં દર્ભ રાખ્યો હતો.જામધર્માદા ટ્રસ્ટ અંતર્ગત આવતા તમામ મંદિરો ટ્રસ્ટી જામસાહેબની સૂચના અનુસાર રવિવારે બપોરે ૧૨ કલાકે બંધ થઇ ગયા હતાં. અને સોમવારે સવારે રાબેતા મુજબ ઉઘડ્યા હતાં.જે અંતર્ગત નાગેશ્વર વિસ્તારમાં આવેલ નગરની સ્થાપના પૂર્વેનાં શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિર, તથા શ્રી નાગેશ્વર મહાદેવ મંદિર, તથા ટાઉનહોલ નજીક આવેલ શ્રી ભીડભંજન મહાદેવ મંદિર સહિતનાં શિવાલયોનાં દ્વાર પણ બપોરે બંધ થઇ ગયા હતાં.

શ્રી મોટી હવેલીમાં રાત્રે ૮:૩૦ એ સંધ્યા આરતી પછી રાત્રે ૧૦ થી ૧:૩૦ સુધી ગ્રહણકાળ દરમ્યાન દર્શન ખુલ્લા રહ્યા હતાં અને સોમવારે સવારે ૯:૩૦ કલાકે મંગલા આરતી થઇ હતી.ખંભાળીયા ગેઇટ પાસે આવેલ કૃષ્ણ પ્રણામી ધર્મની આચાર્ય પીઠ પ, નવતનપુરીધામ ખીજડા મંદિર, બેડી ગેઇટ પાસે આવેલ શ્રી સ્વામીનારાયણ મંદિર સહિતનાં સનાતન ધર્મ સંલગ્ન સંપ્રદાયોનાં મંદિરોમાં પણ બપોર પછી દર્શન બંધ રહ્યા હતાં.કે.વી.રોડ પર આવેલ શ્રી કાશી વિશ્વનાથ મંદિરે પણ પંચાગ અનુસાર ચંદ્રગ્રહણનો સૂતક કાળ આરંભ થાય, એ પૂર્વે નિત્ય સેવા ક્રમ પૂર્ણ કરી લેવામાં આવ્યો હતો, અને દર્શન બંધ થયા હતા. અન્ય શિવાલયોમાં પણ બપોરે પખાલ થઇ ગયા પછી સાંજનાં ગર્ભગૃહ પ્રવેશ નિષેધ સાથે સંધ્યા આરતી વગેરે નિત્ય ક્રમ નિભાવવામાં આવ્યો ન હતો. ઘણા શિવાલયો બપોર પછી બંધ રહ્યા હતા તો ઘણી જગ્યાએ ફક્ત દર્શન ચાલુ રહ્યા હતા.શ્રી બાલા હનુમાન મંદિરે પણ બપોર પછી દર્શનનો ક્રમ બંધ રહ્યો હતો. ફક્ત રામધૂન સંકિતર્ન અવિરત ચાલુ રહ્યુ હતું.સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ શ્રી સત્યનારાયણ મંદિરે પણ બપોરે જ શયનનાં દર્શન અને શયન આરતી પછી સાંજે દર્શન બંધ રહ્યા હતાં તથા ગ્રહણને કારણે પૂનમની કથાઓ એકાદશીનાં જ કરી લેવામાં આવી હતી.

વિવિધ મંદિરોએ પૂનમ ભરવાની ટેક ધરાવતા ભક્તોએ પણ બપોર સુધીમાં જ નિયમ મુજબ પૂનમ ભરી હતી. નગરનાં મોટાભાગનાં મંદિરો ચંદ્રગ્રહણને લઇને બપોર પછી બંધ રહ્યા હતા, અને સોમવારે સવારે રાબેતા મુજબ ઉઘડ્યા હતા. ત્યાર પછીથી દર્શન – સેવાનો ક્રમ પુનઃ રોજીંદા ક્રમ મુજબ પૂર્વવત થયો હતો.