પતિના અવસાનના આઘાતમાં બે મહિનાથી ઘરેથી નીકળી ગયલી મહિલાનું જામનગરની ૧૮૧ અભયમની ટીમે પરિવાર સાથે પૂન: મિલન કરાવ્યું
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૫ ઓગસ્ટ ૨૫, એક જાગૃત નાગરિકે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન પર કોલ કરીને જણાવેલ કે, જામનગર જિલ્લાના એક અંતરિયાળ ગામમાં રાત્રીના સમયે કોઈ મહિલા રસ્તા પર એકલા બેઠા છે અને તેઓને મદદની જરૂર છે. આ કોલ આવતાની સાથે જ ૧૮૧ની ટીમ તુરંત ઘટના સ્થળ પર પહોચી હતી. બાદમાં મહિલાને સાંત્વના પાઠવી સતત ત્રણ કલાક કાઉન્સેલિંગ કર્યું હતું. આ મહિલાએ અલગ અલગ ત્રણ ગામના નામ આપ્યા હતા. બાદમાં ખંભાળિયા તાલુકાના ગામ હોવાથી કંટ્રોલ રૂમમાં આ ગામડાની ખરાઈમાં જાણવા મળ્યું હતું કે, મહિલા દેવભૂમિ દ્વારકાના એક અંતરિયાળ ગામના વતની છે.ત્યારબાદ અભયમની ટીમ દ્વારા તે ગામના સરપંચશ્રીનો સંપર્ક કરી મહિલાનો ફોટો મોકલ્યો હતો. અને જાણવા મળ્યું હતું કે, તેણીના પતિનું બે મહિના પહેલા અવસાન થયું હોવાથી તેમના આઘાતમાં મહિલા ઘર છોડીને ચાલ્યા ગયા છે. પરંતુ રાત્રીનો સમય હોવાથી અભયમની ટીમે મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર પર આશ્રય આપી પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડી હતી. બાદમાં તેણીના જેઠ અને દિયર ત્યાં આવેલ અને જણાવ્યું હતું કે, મહિલાના પતિના અવસાન બાદ તેમની માનસિક સ્થિતિ અસ્વસ્થ રહેતા તેઓ બે મહિનાથી ઘર છોડીને ચાલ્યા ગયા હોય ઘણી શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ ૧૮૧ અભયમની ટીમે મહિલાને શોધી પરિવારને સોંપતા તેના પરિવારજનોએ સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.