જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં મેઘરાજાની સટાસટી

0
53

જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં મેઘરાજાની સટાસટી ગઈકાલે બપોરે બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબકયો

  • ધ્રોલ અને લાલપુરમાં અડધો ઇંચ વરસાદ: જામનગર શહેર જોડીયા અને જામજોધપુરમાં વરસાદી ઝાપટા વરસ્યા

  • ગઈકાલના વરસાદથી સસોઈ ડેમ ઓવરફ્લો થઈ જતાં જામનગરવાસીઓ તથા આસપાસના ખેડૂતો ખુશ ખુશાલ બન્યા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૧ ઓગસ્ટ ૨૫, જામનગર જિલ્લામાં મેઘરાજાની અવિરત મેઘ સવારી ચાલુ રહી છે, જેમાં ખાસ કરીને ગઈકાલે કાલાવડ પંથકમાં મેઘરાજાએ સટાસટી બોલાવી દીધી હતી, અને બપોરે ૧૨.૦૦ વાગ્યાથી ૨.૦૦ વાગ્યા સુધીના માત્ર બે કલાકના સમયગાળા દરમિયાન ધોધમાર પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે ચોમેર પાણી ફરી વળ્યા હતા. અનેક નદી નાળાઓમાં પુર આવ્યા હતા.

ભારે ગાજવીજ અને તોફાની પવન સાથે ધમાકેદાર વરસાદ પડ્યો હતો . આજે સવારે ૮.૦૦ વાગ્યે પૂરા થતા ૨૪ કલાક દરમિયાન ૧૨૫ મી.મી. વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ધ્રોલમાં ૧૩ મી.મી., જ્યારે લાલપુરમાં ૧૪ મી.મી. વરસાદ નોંધાયો હતો.જામનગર શહેરમાં પણ ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન છુટા છવાયા વરસાદી ઝાપટાં વરસ્યા હતા, અને કુલ આઠ મી.મી. વરસાદ નોંધાયો છે, જયારે જોડિયામાં ૯ મી.મી., તેમજ જામજોધપુરમાં ત્રણ મી.મી. વરસાદ નોંધાયો છે.

ગઈકાલના વરસાદને લીધે જામનગર શહેરને પાણી પૂરું પાડતો સસોઈ ડેમ ઓવરફ્લો થઈ જતાં નગરજનો ખુશખુશાલ બન્યા છે, તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સિંચાઈ માટે ખેડૂતોને પાણી પૂરું પાડવામાં આવતું હોવાથી તે વિસ્તારના ખેડૂતો પણ આનંદિત થયા છે. આ ઉપરાંત અન્ય કેટલાક જળાશયોમાં પણ પાણીની આવક અવિરત ચાલુ રહી છે.

ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૬૦ મી.મી. વરસાદ નોંધાયો હતો. ઉપરાંત નવા ગામમાં ૩૦ મી.મી, મોટા પાંચ દેવડામાં ૩૬ મીમી વરસાદ નોંધાયો છે. તે જ રીતે જામજોધપુરના સમાણામાં ૨૩ મી.મી., વાંસજાળીયામાં ૪૦ મી.મી., ધૂંનડામાં ૨૪ મી.મી., લાલપુરના હરીપરમાં ૨૦ મી.મી., જ્યારે માણપુરમાં ૧૫ મી.મી. વરસાદ નોંધાયો છે.