જામનગરમાં ગુરુદ્વારા વિસ્તારમાં આવેલો એક ફ્લેટ પચાવી પાડવા અંગે જામનગરના ટ્રાવેલ્સના એક ધંધાર્થી સામે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આજે અટકાયત કરાઇ
-
રાજકોટના એક વેપારીની ફરિયાદના અનુસંધાને પોલીસે જમીન પચાવી પાડવા અંગેની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧ ઓગસ્ટ, ૨૫ જામનગરમાં મંગલ બાગ શેરી નંબર ૨ માં શ્યામ એપાર્ટમેન્ટના ચોથા માળે આવેલો ૪૦૨ નંબરનો ફ્લેટ પચાવી પાડવા અંગે જામનગરમાં અગાઉ ટ્રાવેલ્સના ધંધા સાથે સંકળાયેલા મુકેશ તેજાભાઈ માખેલા સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. અને પોલીસ દ્વારા આજે અટકાયત કરી લેવાઈ હતી.
રાજકોટ ના વેપારી ખોડુભાઈ ભગવાનજીભાઈ બરબસિયાએ જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં મુકેશભાઈ માખેલા સામે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે, કે પોતે ૨૦૨૦ ની સાલમાં આરોપીના પિતા તેજાભાઈ માખેલા પાસેથી રૂપિયા ૧૫ લાખમાં ઉપરોક્ત ફ્લેટની ખરીદી કરી હતી, અને તે પ્રમાણેના તેના દસ્તાવેજો તૈયાર કર્યા હતા. જે વેચાણથી મેળવેલા ફ્લેટ નો કબજો આરોપીએ છોડ્યો ન હતો, અને ફ્લેટ પચાવી પાડતા મામલો પોલીસ મથકમાં લઈ જવાયો હતો.
જેથી જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા તેમજ સીટી બી. ડિવિઝન ની પોલીસ ટીમે મુકેશ માખેલા સામે ધી ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધિત)વિધેયક કલમ ૪(૩), ૫ (ગ) મુજબ ગુનો નોંધ્યો હતો જે બાદ તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.


