ધ્રોલ તાલુકાના ધરમપુર ગામની સીમ વિસ્તારમાં મોડી રાત્રે LCB ત્રાટકી : ૬૮.૭૬ લાખનો માતબર ઈંગ્લીશ દારૂ પકડાયો
-
ઈંગ્લીશ દારૂની ૪૬૬૮ બોટલ અને ૨૭૬૦ બિયરના ટીન સહિત રૂા. ૧.૨૯ કરોડનો મુદ્દામાલ કબ્જે કરી લઈ જામનગરના બે લિસ્ટેડ બુટલેગરોની અટકાયત
-
દારૂનો જથ્થો મંગાવનાર સપ્લાયર- વાડી મલિક-અન્ય વાહનોના ચાલક સહિત અન્ય ૧૨ ને ફ્રારારી જાહેર કરાયા
દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૩૧ જૂલાઇ ૨૫, ધ્રોલ તાલુકાના ધરમપુર ગામની સીમ વિસ્તારમાં દારૂના કટીંગ વેળાએ જ સ્થાનિક ગુન્હા શોધક શાખાની ટીમે દરોડો પાડતાં નાશભાગ મચી ગઈ હતી. જેમાં પોલીસે ૬૮.૭૬ લાખનો દારૂ કબ્જે કરી લઈ બે શખ્સોની અટકાયત કરી હતી.
પોલીસ સૂત્રોએ જાહેર કરેલી વિગતો મુજબ એલ.સી.બી. ના પોલીસ સબ ઈન્સપેકટર પી.એન. મોરી અને સી.એમ. કાંટેલીયા સહિતના પોલીસકર્મીઓ ધ્રોલ પંથકમાં પેટ્રોલીંગમાં હતા, તે દરમિયાન હકીકત મળેલી કે ધરમપુર ગામની સીમ વિસ્તારમાં અજય ધીરૂભાઈ રાઠોડની વાડીમાં દારૂનું કટીંગ થઈ રહ્યું છે. જેના આધારે પોલીસે દરોડો પાડતાં વાડીમાંથી અલગ અલગ બ્રાંડની દારૂની બોટલ નંગ ૪૬૬૮ અને બીયરના ૨૭૬૦ ટીન સાથે ચેતન હરજીભાઈ પરમાર અને સંજય કારાભાઈ આસુન્દ્રાની ધરપકડ કરી હતી, અને તેમના કબ્જામાંથી સાત વાહનો, ત્રણ મોબાઈલ સહિત રૂા.૧,૨૮,૯૧,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
જયારે દારૂ મંગાવનાર મહમદ ઈકબાલ ઉર્ફે ટકી , મોસીન મુસ્લિમ, આકાશ કોળી, વાડી માલિક અજય ધીરૂભાઈ રાઠોડ, અને દારૂનો જથ્થો લેનાર પુષ્પા રહે. ભોયવાડો જામનગર, સન્ની લાખાભાઈ કોળી સહિતના ૧૨ જેટલા શખ્સોને ફરાર જાહેર કરી તેમને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.


