જામનગરના લાખોટામાં ભળેલા દૂષિત પાણીને લઈ GPCB દ્વારા સેમ્પલ લેવાયા

0
1964

જામનગરની રંગમતી- નાગમતી નદીની દરેડની કેનાલ મારફતે આવતા પાણી ના જથ્થામાંથી લેવાયેલા સેમ્પલ માં જૈવિક કચરો ભળ્યાનો રિપોર્ટ આવ્યો

  • ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ગઈકાલે તળાવમાં આવતી કેનાલ ના પાણીનું ફરી સેમ્પલ લેવાયું : પાંચ કારખાનામાં પણ સેમ્પલ મેળવવા કાર્યવાહી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૨ જુલાઈ ૨૫, જામનગર શહેરના મધ્યમાં આવેલા લાખોટા તળાવમાં દરેડની કેનાલ મારફતે રંગમતી નાગમતી નદીનું પાણી આવે છે, જે કેનાલમાં કેટલાક ઉદ્યોગગ્રહો દ્વારા પોતાના કેમિકલ યુક્ત પ્રવાહીના જથ્થાનો નિકાલ કરી દેવામાં આવતો હોવાના કારણે પ્રદૂષણયુક્ત પાણી લાખોટા તળાવમાં આવી રહ્યું છે, તેવી અનેક ફરિયાદો થયા પછી ગત ૨૭ જૂન ના રોજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જામનગરની કચેરી દ્વારા પાણીના સેમ્પલો લેવામાં આવ્યા હતા, અને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.જેના સેમ્પલો આવી ગયા છે, અને ઉપરોક્ત પાણીના જથ્થામાં જૈવિક કચરો ભળ્યો હોવાના રિપોર્ટ પણ મળ્યા છે. જેથી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તાત્કાલિક અસરથી જામનગર મહાનગરપાલિકાને આની જાણ કરવામાં આવી છે.આ ઉપરાંત હાલ વરસાદી સીઝન ચાલુ છે, અને ફરીથી ગઈકાલે લાખોટા તળાવમાં નવું પાણી આવ્યું હોવાથી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ દ્વારા રંગમતી નાગમતી નદીના પાણીના માંથી ફરી સેમ્પલો લેવામાં આવ્યા છે, અને પૃથકરણ માટે લેબોરેટરીમાં મોકલાયા છે. સાથો સાથ દરેડની કેનાલ ને જોડતી ઉદ્યોગ નગર વિસ્તારની કેનાલ કે જેના વિસ્તારમાં આવતા અલગ અલગ પાંચ કારખાનાઓ ને ત્યાં પણ જઈને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ટીમ દ્વારા સેમ્પલો લેવામાં આવ્યા છે, અને આગળની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે.