જામનગરમાં ત્રણબત્તી વિસ્તારમાં એક લેડીસ ડ્રેસ વિક્રેતાએ ૫૫ ટકા ડિસ્કાઉન્ટ ની જાહેરાત કરતાં અનેક મહિલાઓ ખરીદી માટે તૂટી પડી
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૬ મે ૨૫, જામનગરમાં ત્રણબત્તી વિસ્તારમાં આવેલી કામણગારી ડ્રેસીસ નામની લેડીઝ ડ્રેસ મટીરીયલની દુકાનના વિક્રેતાએ ગઈકાલે રવિવારે એક દિવસ માટે ૫૫ ટકા ડિસ્કાઉન્ટ ની ઓફર મૂકી હતી, અને કોઈપણ ડ્રેસ મટીરીયલ ની ખરીદી પર ૫૫ ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરતાં ગઈકાલે રવિવારે સવારથી જ ઉપરોક્ત દુકાન ના દ્વારે ખરીદી કરવા માટે મહિલાઓ તૂટી પડી હતી, અને એક તબક્કે ચક્કાજામના દ્રશ્યો સર્જાઈ ગયા હતા.જાહેર માર્ગ પર જ આવેલી દુકાનના દ્વારે અનેક મહિલાઓ ટોળે વળી હતી , અને ટ્રાફિક પ્રભાવિત થયો હતો. ત્યારબાદ દુકાનદાર દ્વારા તમામ મહિલાઓને કતાર બંધ આવવા માટે જણાવતાં ધોમ ધખતા તાપ માં અનેક મહિલાઓ ખરીદી માટે લાઈનમાં ઊભી રહી હતી, અને એક તબક્કે પોલીસ ટુકડી પણ દોડતી થઈ હતી. આખરે દુકાનદારે પોતાની દુકાન વહેલી તકે આટોપી લેવાનો વારો આવ્યો હતો, અને મોડેથી મહિલાઓ વિખુટી પડી હતી.