જામનગર કાલાવડ નાકા બહાર મેગા ડીમોલિશન હાથ ધરાયું : મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત

0
7404

જામનગર મહાનગર પાલિકા દ્વારા કાલાવડ નાકા બહાર નદીના પટના સંખ્યાબંધ દબાણો દૂર કરવા માટે આજે મેગા ડિમોલેશનની કાર્યવાહી

  • જુદા જુદા ત્રણ વિસ્તારમાં અંદાજિત ૫૦,૦૦૦ ચોરસ ફૂટ જગ્યા ખુલ્લી કરાવવા માટે મ.ન.પા. ની પોલીસ બંદોબસ્ત સાથે પાડતોડ ની કાર્યવાહી

  • ૧૨ જેસીબી મશીન- ૩ હિટાચી તથા ટ્રેક્ટર અને ૨૦૦ થી વધુ સ્ટાફ સાથે સીટી એ. ડિવિઝન નો મહિલા પોલીસ સાથેનો મોટો કાફલો જોડાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૧, મે ૨૫ જામનગર મહાનગરપાલિકા દ્વારા રિવર ફ્રન્ટ પ્રોજેક્ટને લઈને કાલાવડ નાકા બહારથી લઈને છેક નાગેશ્વર વિસ્તાર સુધીમાં નદીના પટમાં ખડકી દેવાયેલા દબાણોને દૂર કરવા માટેની કાર્યવાહી ચાલી રહી છે, જેના ભાગરૂપે આજે સવારે મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું, અને જુદા જુદા ત્રણ વિસ્તારમાં આવેલા ૧૧૬ જેટલા મકાનો- દુકાનો સહિતના દબાણો દૂર કરીને અંદાજે ૫૦,૦૦૦ ફૂટ જગ્યા ખુલ્લી કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, અને તેમાં મહાનગરપાલિકાના અધિકારીઓની મોટી ટીમ અને ૨૦૦ થી વધુ સ્ટાફ ઉપરાંત સીટી એ. ડિવિઝન નો મહિલા પોલીસ સહિત નો વિશાળ પોલીસ કાફલો જોડાયો છે, અને મેગા ડીમોલેસનની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.જામનગરમાં કાલાવડ નાકા બહાર રંગમતી નદીના પટ્ટનો વિસ્તાર, કે જેમાં અલગ અલગ ત્રણ વિસ્તારો કે જ્યાં મહાનગરપાલિકાની સરકારી જગ્યામાં ગેરકાયદે રહેણાંક મકાન- દુકાનો વગેરે ખડકી દેવાયા હતા, જે પૈકી નદીના પટના ત્રિકોણીય વિસ્તારમાં અંદાજે ૫૭ જેટલા મકાનો ખડકાયેલા હતા.જે તમામને અગાઉથી નોટિસ આપીને જગ્યા ખાલી કરી દેવા માટેની સુચના અપાઇ હતી. ત્યારબાદ આજે સવારે દિમોલેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું.જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદી ના સીધા માર્ગદર્શન હેઠળ ડી.એમ.સી. દેવેન્દ્રસિંહ ઝાલા, આસી. કમિશનર ભાવેશ જાની ની રાહબરી હેઠળ કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા તથા એસ્ટેટ શાખા ની ટીમ, ટીપીઓ શાખા ની ટીમ, ફાયર વિભાગની ટુકડી વગેરે મળી ૨૦૦ થી વધુ કર્મચારીઓ આજના મેગા ડીમોલેસનમાં જોડાયા હતા, અને અલગ અલગ ત્રણ ટીમો બનાવાઈ હતી.સમગ્ર ડીમોલેસનની કાર્યવાહી હાથ ધરવા માટે ૧૨ જેસીબી મશીનો, ૩ હિટાચી મશીન, ટ્રેક્ટર સહિતની મશીનરીના ઉપયોગ કરવામાં આવ્યો છે, અને વહેલી સવારથી પાડતોડની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.જે ત્રણેય સ્થળે સીટી એ. ડિવિઝન ના પી.આઈ. એન.એ.ચાવડા ની રાહબરી હેઠળ મોટો પોલીસ કાફલો બંદોબસ્ત માં જોડાયો છે જેમાં મહિલા પોલીસની પણ મોટી ટીમ સાથે રાખવામાં આવી છે.જેમાં એક સ્થળે ૪૭ મકાનોનું દબાણ ખુલ્લું કરાવાઈ રહ્યું છે, જ્યારે બીજા સ્થળે ૧૬ દુકાનો સહિત ૪૬ જેટલા બાંધકામો ને તોડી પાડવાની કાર્યવાહી ચાલી રહી છે, જ્યારે ત્રીજા સ્થાને ૨૩ મકાનો પર મહાનગરપાલિકા નો હથોડો વીંઝવામાં આવ્યો છે, અને અંદાજે ૫૦,૦૦૦ ફૂટથી વધુ જગ્યા ખુલ્લી કરાવવા માટેની કાર્યવાહી ચાલી રહી છે.