જામનગરના કુખ્યાત રજાક સોપારી અને તેના બે સાગરીતો સામે ત્રણ ટ્રકની છેતરપિંડી અંગેનો વધુ એક ગુનો નોંધાયો
-
પોરબંદરના ટ્રાન્સપોર્ટ ના ધંધાર્થી પાસેથી ત્રણ ટ્રક ભાડે ચલાવવા મેળવી લઇ પરત નહીં આપ્યા: ટગ ના ધંધાની ૧૫ લાખની રકમ પણ પચાવી પાડી
દેશ દેવો ન્યૂઝ જામનગર તા ૧૬ મે ૨૫, જામનગર શહેરના નામચીન અપરાધી રજાક સોપારી કે જેની સામે છેતરપિંડી અંગેનો વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે અને પોરબંદરના ટ્રાન્સપોર્ટ ના વેપારી પાસેથી ભાડામાં ટ્રકો ચલાવવા ના બહાને ત્રણ ટ્રક મેળવી લઇ બારોબાર ગાયબ કરી દીધા, અને ટગના ધંધા માટેની ૧૫ લાખની રકમ મેળવી લીધા બાદ તે રકમ પણ પરત નહીં કરી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યા ની ફરિયાદ રજાક સોપારી અને તેના બે સાગરીતો સામે પોલીસમાં નોંધાવાઈ છે.આ ફરિયાદ અંગેના બનાવની વિગતે એવી છે કે પોરબંદરના વતની અને ટ્રાન્સપોર્ટ નો વ્યવસાય કરતા ગાંગાભાઈ ઠેબાભાઈ કોડીયાતર નામના ટ્રાન્સપોર્ટના ધંધાર્થીએ જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં કુખ્યાત ગુનેગાર રજાક સોપારી દાઉદભાઈ ચાવડા, અને તેના બે સાગરીતો અમીન નોતીયાર તેમજ રામ ભીમસી નંદાણીયા સામે વિશ્વાસ ઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી ટ્રાન્સપોર્ટ ના ધંધાર્થી એને આરોપી રજાક સોપારીએ પોતાની પાસે મોટા કોન્ટ્રાક્ટ છે, તેવું પ્રલોભન આપીને દર મહિને ટ્રકના એક લાખ રૂપિયાની ભાડાની લાલચ આપી તેના ટ્રક ભાડેથી મેળવી લીધા હતા. જે પૈકીના જીજે ૨૫ યૂ ૫૯૩૩, જીજે -૩૬ એક્સ. ૮૧૩૨ ઉપરાંત જીજે ૨૫ એ એ ૯૧ નંબરની સ્કોર્પિયો કાર વગેરે મેળવી લીધા હતા, અને પરત નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી, તેમજ કોઈપણ પ્રકારનું ભાડું પણ આપ્યું ન હતું.
આ ઉપરાંત ફરિયાદી અને આરોપી બંને વચ્ચે ભાગીદારી માટેનો ધંધો શરૂ કર્યો હતો, જેના માટે પણ ૧૫ લાખ રૂપિયા એડવાન્સમાં આપ્યા હતા, તે ૧૫ લાખની રકમ પણ પરત નહીં આપી અથવા તો ધંધામાં કોઈ ભાગીદારી નો હિસ્સો નહીં આપી વિશ્વાસઘત અને છેતરપિંડી કરી હોવાનું જણાવ્યું છે.
જેમાં રજાક સોપારી, તેમજ આમીન નોતીયાર અને રામ ભીમશી નંદાણીયા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આઈપીસી કલમ ૪૦૬,૪૨૦ અને0૧૧૪ મુજબ છે, અને વધુ તપાસ હાથ ધરી છે.હાલ આરોપી જામનગરની જેલમાં હોવાથી તેઓનો ટ્રાન્સફર વોરંટ ના આધારે કબજો મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.