જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં બે મહિલા હંગામી કર્મચારી સહિત ત્રણ શખ્સોએ જમાદાર ની ઓફિસમાં ઘૂસી જઈ એસ.આઈ. પર હુમલો કરી દેતાં ઘેરા પ્રત્યાઘા
-
જી.જી. હોસ્પિટલના તમામ કર્મચારીઓએ હડતાલ પાડી દઇ ટોળા સ્વરૂપે ફરિયાદ માટે સીટી બી. ડિવિઝન પોલીસ મથકે પહોંચી જતા ભારે દોડધામ
-
પોલીસ દ્વારા જીજી હોસ્પિટલ પરિસરમાં સજ્જડ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો: હુમલા અંગેની ફરિયાદ નોંધવા તજવીજ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૬ મે ૨૫, જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલ માં ફરજ બજાવતી એક મહિલા કર્મચારી કે જેણે આજથી બે દિવસ પહેલાં હંગામી મહિલા કર્મચારીઓના ત્રાસના કારણે ઝેર પી લીધું હોવાથી આ મામલામાં પોલીસ પૂછપરછ દરમિયાન બે હંગામી મહિલા કર્મચારીઓના ત્રાસ અંગે ફરિયાદ કરાઈ હતી, જેના અનુસંધાને બને હંગામી મહિલા કર્મચારી ને ખાનગી કોન્ટ્રાક્ટર કંપની દ્વારા છુટા કરી દેવાતાં આજે ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા, અને બે હંગામી મહિલા કર્મચારી સહિતના ત્રણ શખ્સોએ જમાદાર ની ઓફિસમાં ધસી જઈ એસ. આઈ. પર હુમલો કરી દેતાં મામલો બીચકયો હતો, અને હોસ્પિટલમાં તંગ વાતાવરણ બની ગયું હતું.
જેના પ્રત્યાઘાત રૂપે તમામ કર્મચારીઓ આજે હડતાલ પર ઉતરી ગયા હતા, અને ટોળાનાં સ્વરૂપમાં સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા માટે પહોંચી જતાં પોલીસ તંત્ર દોડતું થયું હતું, અને જી.જી. હોસ્પિટલમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઉપરાંત આ પ્રકરણમાં પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની તજવીજ થઈ રહી છે.
જીજી હોસ્પિટલના સૂત્રો મારફતે જાણવા મળતી માહિતી મુજબ જામનગર ની સરકારી જી.જી. હોસ્પિટલમાં મેસર્સ એમ જે સોલંકી નામની પેઢીને હોસ્પિટલની સફાઈ નો કોન્ટ્રેક આપાય છે, અને તેમાં કેટલાક કાયમી તથા હંગામી કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે.
જે પૈકીના કાયમી કર્મચારી ફરીદાબેન સલીમભાઈ ખીરા કે જેમણે ગત ૩ તારીખે પોતાની સાથે જ ફરજ બજાવતી બે હંગામી મહિલા કર્મચારીઓ જયાબેન હરીશભાઈ રાઠોડ, તેમજ સુનંદલાબેન રાજેશભાઈ બાગલે કે જે બંનેના ત્રાસ ના કારણે પોતે ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
તેણીને સારવાર માટે જી.જી હોસ્પિટલમાં દાખલ કરાઈ છે, અને સીટી બી. ડિવિઝન ની પોલીસ ટુકડી જીજી હોસ્પિટલમાં દોડી ગઈ હતી, અને તેણીનું નિવેદન નોંધ્યું હતું જેમાં ઉપરોક્ત બંને હંગામી મહિલા કર્મચારીઓના ત્રાસ અંગે ફરિયાદ કરવામાં આવી હતી.
દરમિયાન ગઈકાલે ખાનગી કોન્ટ્રાક્ટર કંપની મેનેજર એમજે સોલંકીના એસ.આઇ. દ્વારા ઉપરોક્ત બંને હંગામી મહિલા કર્મચારીઓ જયાબેન રાઠોડ અને સુનંદાબેન ભાગલે ને નોટિસ પાઠવી હતી, અને સમગ્ર બનાવ મામલે ત્રણ દિવસમાં ખુલાસો કરવા અને જરૂરી આધાર પુરાવા રજૂ કરવા જણાવ્યું હતું, અને આ પ્રકરણનું નિવારણ ન આવે ત્યાં સુધી બંનેને ફરજ પરથી મુક્ત કરી દેવામાં આવ્યા હતા.
જેના આજે સવારે ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા, અને બંને હંગામી મહિલા કર્મચારીઓ અને પુરુષ સાથે જી.જી .હોસ્પિટલ ના જમાદાર ની ઓફિસમાં ઘૂસી ગયા હતા, અને ત્યાં એસઆઈ પર હુમલો કરી દેવાયો હતો.
જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, અને હોસ્પિટલ માં દેકારો બોલી ગયા બાદ તમામ કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા હતા અને આ હુમલા ને વખોડી કાઢી તે અંગેની પોલીસ ફરિયાદ નોંધાવવા માટે કર્મચારીઓ ટોળાના સ્વરૂપે સીટી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા છે, અને પોલીસ ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ હાથ ધરાઈ છે. હાલ જી.જી. હોસ્પિટલમાં પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, અને ડી ડિવિઝનના પીઆઇ પી.પી. ઝા અને તેઓની સમગ્ર ટીમ આ બાબતે કવાયત કરી રહી છે.