જામનગરના ખોજાનાકા વિસ્તારમાં મેમણ વેપારી પર 4 શખ્સોનો હુમલો

0
5094

જામનગરમાં ખોજા ગેઇટ વિસ્તારમાં રહેતા કાપડના વેપારી યુવાન પર જૂની અદાવતનું મન દુઃખ રાખીને હીચકારો હુમલો

  • ચાર શખ્સોએ લોખંડ ના પાઇપ નો પ્રહાર કરી માથું ફોડી નાખી પગમાં પણ બે ફ્રેક્ચર કરી નાખ્યાની પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યૂઝ  જામનગર તા ૨૪ ઓક્ટોબર ૨૪, જામનગરમાં ખોજા ગેઇટ વિસ્તારમાં રહેતા અને કાપડનો વ્યવસાય કરતા એક વેપારી યુવાન પર જૂની અદાવત નું મનદુ:ખ રાખીને ચાર શખ્સોએ લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે હુમલો કરી માથું ફોડી નાખ્યું હતું. જેથી માથામાં પાંચ ટાંકા લેવા પડ્યા છે. ઉપરાંત પગમાં બે ફ્રેક્ચર થઈ ગયા છે. જે મામલે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસ તમામ આરોપીઓને શોધી રહી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ખોજા ગેઇટ વિસ્તારમાં રહેતા અને કાપડની દુકાન ચલાવતા સાકીબ બસીરભાઈ વહેવારીયા નામના ૩૫ વર્ષના મેમણ વેપારી યુવાન પર ટીટોડી વાડી વિસ્તારમાં રહેતા સાહિદ ઈમ્તિયાઝ ખફી અને તેના અન્ય ત્રણ સાગરીતો એ જૂની અદાવતનું મન દુઃખ રાખીને લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કરી દીધો હતો.

જે હુમલામાં તેનું માથું ફાટી ગયું હતું, અને માથામાં પાંચ ટાંકા લેવા પડ્યા છે. ઉપરાંત એક સાઇડનો કાનનો પડદો પણ તૂટી ગયો છે. આ ઉપરાંત તેના જમણા પગમાં પણ બે ફેક્ચર થઈ ગયા છે, અને તેની જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ફરિયાદી સાકીબ અને આરોપી સાહિદ વચ્ચે થોડા સમય પહેલા અગાઉ તકરાર થઈ હતી. જેમાં ફરિયાદીની ભાણેજ ની આરોપી મજાક મસ્કરી કરતો હોવાથી તેને રોકવા જતાં ઝઘડો થયો હતો. પરંતુ ત્યારે જ્ઞાતિજનોએ સમજાવટ કરીને મામલો થાળે પાડ્યો હતો. પરંતુ આરોપીએ તે વાતનું મન દુઃખ રાખ્યું હતું, અને પોતાના સાગ્રીતો સાથે મળીને હીચકારો હુમલો કરી દીધો હતો. જે તમામ આરોપીઓ હાલ ભાગી છૂટ્યા હોવાથી પોલીસ તેઓને શોધી રહી છે.

જે સ્થળે બનાવ બન્યો હતો ત્યાં સીસીટીવી કેમેરા પણ લગાવેલા હોવાથી પોલીસે તે ફૂટેજ ના આધારે આરોપીઓની ઓળખ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.