જામનગર ના ઉદ્યોગનગર પાણાંખાણ વિસ્તારમાં આવેલી એક શાળાના મુખ્ય દરવાજે ભંગાર નો માલ ખડકી દેવાતાં શાળામાં વિદ્યાર્થીઓ માટેનો પ્રવેશ બંધ થયો
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૭ મે ૨૫, જામનગર મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર ૧૮/૧૯ કે જે શંકર ટેકરી ઉદ્યોગ નગર પાણાખાણ વિસ્તારમાં આવેલી છે. જે શાળાની આસપાસના વિસ્તારમાં કેટલાક માથાભરે શખ્સો ભંગારનો વ્યવસાય કરે છે, અને પોતાના ભંગાર નો ઢગલો સ્કૂલના મુખ્ય દરવાજાની આડે જ ખડકી દીધો હોવાથી શાળામાં પ્રવેશવા માટે નો રસ્તો સંપૂર્ણપણે બંધ થયો છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ જ રીતે ભંગારના ધંધાર્થીઓએ સ્કૂલમાં પ્રવેશવાનો રસ્તો બંધ કર્યો હતો, અને આ મામલે પોલીસમાં અરજી પણ કરાઈ હતી. જેનું પરિણામ હજુ પણ શૂન્ય હોય તેવું જણાઈ રહ્યું છે, અને ભંગારના ધંધાર્થીઓ બિન્દાસ પણે પોતાનો ભંગાર સ્કૂલના મુખ્ય દરવાજાની આડે ખડકી દઈ દબાણ સર્જી રહ્યા છે.
હાલ શાળામાં વેકેશન છે, પરંતુ શિક્ષકો વગેરેનો સ્ટાફ શાળામાં પ્રતિદિન અવરજવર કરે છે. પરંતુ તેઓને સ્કૂલમાં પ્રવેશવામાં ભારે હાલાકી વેઠવી પડે છે. આગામી દિવસોમાં સ્કૂલ શરૂ થાય તે પહેલા જો આ રસ્તો નહીં ખુલે, તો વિદ્યાર્થીઓના અભ્યાસમાં ખલેલ પહોંચે તેવી પરિસ્થિતિ છે. જે અંગે તંત્રએ તાત્કાલિક અસરથી યોગ્ય કરવા માંગ ઉઠી છે.