જામનગરના વિપ્ર યુવાનનું પ્રેમ પ્રકરણમાં અપહરણ કરી જઈ હત્યા નીપજાવવા અંગેના ચકચારી પ્રકરણમાં પ્રેમિકાના પિતા સહિત ત્રણ હત્યારા આરોપીઓની અટકાયત
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૧ મે ર૫, જામનગર નજીક નાઘેડી વિસ્તારમાં રહેતા એક વિપ્ર યુવાનનું પ્રેમ પ્રકરણના કારણે અપહરણ કરી જઈ ઢોર માર મારવા અંગે અને હત્યા નીપજાવવા અંગેના ચકચારી પ્રકરણમાં પોલીસે પ્રેમિકાના પિતા સહિત ત્રણ આરોપીઓની અટકાયત કરી લીધી છે, અને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર નજીક નાઘેડીમાં રહેતા આશિષ રાણાભાઇ અસવાર નામના ૨૧ વર્ષની વયના વિપ્ર યુવાનનું પ્રેમ પ્રકરણના કારણે ગત ૭ મી તારીખે અપહરણ કરાયું હતું, અને કનસુમરા પાસે અવાવરૂ સ્થળે લઈ જઇ તેને ઢોર મારવામાં આવ્યો હતો, અને ત્યાં જ ફેંકી દેવાયો હતો.
જે બનાવના સ્થળે ૧૦૮ ની ટુકડી પહોંચી ગઈ હતી, અને ઇજાગ્રસ્ત યુવાનને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને વધુ સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. જ્યાં ૧૨ દિવસની સારવાર બાદ
પરમ દીને રાત્રે તેનું મૃત્યુ નીપજતાં આ બનાવ હત્યામાં પલટાયો હતો.
આ બનાવ મામલે અગાઉ મૃતક યુવાન કે જે પોતાની પ્રેમિકા ક્રિષ્નાબેન કેશવાલા પોતાના પાડોશી સાથે સીટી સી. ડિવિઝન પોલીસ મથકે પહોંચી ગઈ હતી, અને પોતાના પ્રેમી મિત્ર આશિષ નું અપહરણ કરી જવા અંગે અને ઢોર માર મારવા અંગે પોતાના જ પિતા વિક્રમભાઈ કેશુભાઈ ઓડેદરા, તેમજ ફુવા રામદેવભાઈ લાખાભાઈ મેર અને વિવેક કારાભાઈ મેર વગેરે સામે ફરિયાદ નોંધાવી હતી. અને પોલીસે હુમલા અને અપહરણ સંબંધે ગુનો નોંધ્યો હતો.
દરમિયાન ઈજાગ્રસ્ત યુવાનનું મૃત્યુ નીપજતાં આ બનાવ હત્યામાં પલટાયો છે. ત્યારે સીટી સી. ડિવિઝન પોલીસ દ્વારા આ મામલામાં હત્યાની કલમનો ઉમેરો કરી લેવાયો છે, અને ફરિયાદી પ્રેમિકા ના પિતા સહિતના ત્રણ આરોપીઓની અટકાયત કરી લઈ ત્રણેયને રિમાન્ડ પર લેવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.