કાલાવડમાં રહેતા ભાજપના કોર્પોરેટર ઉપર છરી વડે હુમલો કરનાર તેના બનેવી ની પોલીસ દ્વારા અટકાયત
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૦, મે ૨૫ જામનગર જિલ્લાના કાલાવડ માં રહેતા ભાજપના કોર્પોરેટર સદ્દામભાઈ ગફારભાઈ બારાડી નામના ૩૩ વર્ષના મેમણ વેપારી યુવાને પોતાના ઉપર છરી વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડવા અંગે તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે કાલાવડમાંજ રહેતા પોતાના બનેવી જુનેદ જીકરભાઈ રાવ સામે ફરિયાદ નોંધાવી છે. જયારે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.આરોપી જુનેદ કે જેના લગ્ન ફરિયાદી ની બહેન રેશમાંબેન સાથે થયા હતા, અને બંનેએ પ્રેમ લગ્ન કર્યા હતા. જે લગ્ન થોડો સમય ચાલ્યા બાદ પતિ જુનેદે મારકુટ કરી, ત્રાસ આપવાનું શરૂ કરતાં રેશમાબેન પોતાના ઘેર પરત ફરી હતી, અને કાલાવડ પોલીસ મથકમાં મારકુટ અને ત્રાસ અંગેની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદનું મન દુઃખ રાખીને આરોપીએ પોતાના સાળા ઉપર હુમલો કરી દીધા નું પોલીસમાં જાહેર થયું છે. જે આરોપી બનાવ બાદ ભાગી છૂટ્યો હોવાથી તેને કાલાવડ પોલીસની ટિમે તેની શોધખોળ હાથ ધરી ઝડપી પાડ્યો હતો, અને તેની પાસેથી હુમલામાં વપરાયેલી છરી કબજે કરી લેવામાં આવી છે.