જામનગર શહેરમાં ૧૮૧ અભયમ ની ટીમે સ્થળપર પહોંચી જઈ બાળ લગ્ન અટકાવ્યા
-
જીલ્લા બાળ સુરક્ષા અધિકારી અને પોલીસની ટિમ સહિતની ટુકડીએ દોડી જઇ સમગ્ર પરિવાર નું કાઉન્સેલીંગ કરાયું
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૨ મે ૨૫, જામનગર ૧૮૧ની ટીમ તથા જીલ્લા બાળ સુરક્ષા અધિકારી, પોલીસ સહિતની ટુકડી વગેરેને મળેલી હકીકતના આધારે આ દિશામાં કાર્યવાહી હાથ ધરીને બાળ લગ્ન અટકાવ્યા હતા, અને તમામ નું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.જામનગર પોલીસ વિભાગ ની ૧૮૧ ની ટિમ ને એક જાગૃત નાગરિક દ્વારા કોલ કરી ને જણાવાયું હતું કે જામનગર શહેર માં એક કિશોરીના બાળ લગ્ન થઈ રહ્યા છે, જેની ઉંમર માત્ર ૧૫ વર્ષની જ છે. જેથી જામનગર ૧૮૧ અભયમ ટીમ ના કાઉન્સેલર વૈભવી સ્વામી, મહીલા પોલીસ તારાબેન તથા પાઈલોટ સુરજીતસિંહ વાઘેલા ઘટના સ્થળ પર પહોંચ્યા હતા, અને કિશોરી નું કાઉન્સેલિંગ કરીને કિશોરી ના ઉમરના દસ્તાવેજ તથા કંકોત્રીની તપાસ કરતાં જાણવા મળ્યું હતું, કે કિશોરીની ઉમર ૧૮ વર્ષ કરતાં ઓછી છે.
જેથી કિશોરી ના પિતા ને જણાવેલું કે બાળ લગ્ન એ કાયદાકિય ગુનો બને છે, તેમજ કિશોરીની ઉમર પુખ્તવયની કાયદાની રિતે માન્ય ન થાય, ત્યાં સુધી લગ્ન નહીં કરાવવા જોઈએ, તે માટે સમજાવ્યું હતું, અને બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ અંગે કિશોરી ના પિતા ને માહિતગાર કર્યા હતા.
આ ઉપરાંત કિશોરીનું કાઉન્સેલિંગ કરતાં જાણવા મળ્યું હતું, કે કિશોરીની મરજી વિરુદ્ધ આ લગ્ન થતા હોય જેથી તેના માતા-પિતાને સમજાવ્યા હતા. ત્યારબાદ ૧૮૧ જામનગર અભયમની ટિમ દ્વારા જિલ્લા બાળ સુરક્ષા એકમ અને નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરતાં સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. બરબચીયા તેમજ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આર. જે. શિયાર અને જસ્મીનભાઈ કરંગીયા સહિતના સ્થળ પર પહોંચી ગયા હતા. ૧૮૧ અભયમ ટીમ દ્વારા ઉપરોકત તમામ સરકારી સંસ્થા સાથે મળી બાળ લગ્ન અટકાવ્યા હતા, અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.