જામનગરના કૃષ્ણનગરમાં ગણપતિ ભગવાનને ૧૭,૫૫૧ લાડુનો ભોગ ધરાયો

0
1254

જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં જય અંબે મિત્ર મંડળ દ્વારા સતત ૨૧ માં વર્ષે ૧૭,૫૫૧ લાડુનો ગણપતિ ભગવાનને ભોગ ધરાયો

  • ૩૫૦ ભાઈઓ તથા ૧૫૦ થી વધુ બહેનોએ રાત્રિભર જહેમત લઈ લાડુ બનાવ્યા: આજે પ્રસાદ વિતરણ

  • જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ગાય સહિતના અબોલ જીવોને પણ ૨,૦૦૦ લાડુ ખવડાવાશે

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૪ સપ્ટેમ્બર ૨૫, જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં જય અંબે મિત્ર મંડળ દ્વારા છેલ્લા ૨૧ વર્ષથી ભારે ધામધૂમપૂર્વક ગણપતિ મહોત્સવ ઉજવવામાં આવે છે, અને જામનગર શહેરમાં સૌથી વધુ લાડુ બનાવવા માટે નો તેઓનો વિક્રમ નોંધાયેલો છે.આ વખતે પણ ગણપતિ દાદા ને ૧૭,૫૫૧ લાડુ બનાવીને તેનો ભોગ ધરાયો હતો. કૃષ્ણનગર વિસ્તારના આશરે ૩૫૦ થી વધુ ભાઈઓ, અને ૧૫૦ થી વધુ બહેનોએ રાત્રિના ૯.૩૦ વાગ્યાથી લાડુ બનાવવાનો પ્રારંભ કર્યો હતો, અને વહેલી સવાર સુધી આ કાર્યવાહી ચાલતી હતી, અને કુલ ૧૭,૫૫૧ લાડુ તૈયાર કરીને ગણપતિ દાદાને તેનો ભોગ ધરવામાં આવ્યો છે, તેમજ મહા આરતી કરવામાં આવી હતી.ઉપરોક્ત લાડુ બનાવવા માટે ૫૦૦ કિલો ઘઉંનો લોટ, ૨૫૦ કિલો ઘી, સાડા ચારસો કિલો તેલ, ૨૫૦ કિલો ગોળ” ૪૦ કિલો ડ્રાયફ્રુટ- ખસખસ વગેરે સામગ્રી નું મિશ્રણ તૈયાર કરીને લાડુ બનાવ્યા છે, અને આજે તેનું પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવી રહ્યું છે.આ મંડળ દ્વારા પ્રતિવર્ષ અબોલ જીવોને પણ લાડુનો ભોગ ધરાવવામાં આવે છે. જેના ભાગરૂપે જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં રહેતી ગાયમાતા સહિતના અબોલ જીવોને માટે પણ ૨,૦૦૦ લાડુ બનાવ્યા છે, અને તે લાડુનું સ્વયંસેવકો ની ટીમ દ્વારા વિતરણ કરવામાં આવી રહ્યું છે. જે ટીમ અલગ અલગ વિસ્તારોમાં ફરીને ગૌમાતા સહિતના અબોલ જીવોને લાડુ ખવડાવશે.